રીઢા તસ્કરોએ દારૂનો ચીક્કાર નશો કરી કરણપરામાં ૧૩ લાખની ચોરી કરી’તી
ચોરી સહિતના ૧૫૦થી વધુ ગુનામાં સંડોવાયેલો આનંદ ઉર્ફે કરોડપતિ સહિત ત્રણને ૧૩ લાખના મુદ્દામાલ સાથે દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ
પાંચ દિવસ પહેલાં શહેરના કરણપરા શેરી નં.૧૩/૧૪ના ખૂણે સિદ્ધાર્થ નામના મકાનમાં ૯.૫૦ લાખની ચોરીનો બનાવ બન્યા બાદ ચોરીને અંજામ આપનારા તસ્કરોને પકડવા માટે રાજકોટ આખાની પોલીસ દોડતી થઈ હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને તેણે ૧૩.૧૪ લાખના મુદ્દામાલ સાથે રીઢા તસ્કરોને દબોચી લીધા છે.
ક્રાઈમ બ્રાન્ચે ઉપરોક્ત મકાનમાં હાથફેરો કરનાર આનંદ ઉર્ફે રાજુ ઉર્ફે કરોડપતિ ચોર જેસંગ ઉર્ફે જેસીંગભાઈ સીતાપરા (રહે.સુરત, મુળ, જામનગર) ઉપરાંત રાજકોટના ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુડો અલ્તાફભાઈ પરમાર, ચોરીનો મુદ્દામાલ ખરીદ કરનાર કાંકરેજના ચિરાગ મુક્તિલાલ શાહને પકડી લીધા છે જ્યારે ચોરીમાં સામેલ ગોંડલનો વિજય રમેશ સીતાપરા ફરાર થઈ જતાં તેને પકડવા તજવીજ શરૂ કરી છે.
પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ એમ.જે.હુણ, એ.એન.પરમાર અને વી.ડી.ડોડિયાના માર્ગદર્શન હેઠળ યુવરાજસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઝાલા, વાલજીભાઈ જાડા તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતની ટીમે બાતમીના આધારે જામનગર રોડ ઘંટેશ્વર ચોકડીથી ઉપરોક્ત તસ્કરોને સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે પકડ્યા હતા.
પોલીસ પૂછપરછમાં તસ્કરોએ જણાવ્યું કે નાની-મોટી ચોરી સહિતના ૧૫૦થી વધુ ગુનામાં સંડોવાયેલા આનંદ ઉર્ફે કરોડપતિ તેમજ ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુડો બન્ને મીત્ર હોય રાજકોટમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. એક દિવસ રેકી કર્યા બાદ બીજા દિવસે બન્નેએ ચીક્કાર દારૂનો નશો કરીને મકાનમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. આ પછી બન્ને એક મીત્રને ત્યાં પહોંચ્યા હતા જ્યાં ફરી દારૂનો નશો કરી સૂઈ ગયા હતા. બીજા દિવસે ઈમ્તુડો આનંદને ભાવનગર રોડ ઉપર મુકી ગયો હતો જ્યાં વિજય સીતાપરા તેને અન્ય સ્થળે મુકીને રવાના થઈ ગયો હતો. ત્યાંથી આનંદે ચિરાગ શાહ સાથે ચોરીના ઘરેણાનો સોદો કર્યો હતો. જો કે સોદો થયાની કલાકોમાં જ ત્રણેય દબોચાઈ ગયા હતા.
આનંદ ઉર્ફે રાજુ માત્ર નામનો જ કરોડપતિ !
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે આનંદ ઉર્ફે રાજુ માત્ર નામનો જ કરોડપતિ છે. તેના ઉપર એક બાદ એક ગુના નોંધાતાં તસ્કર આલમમાં તેનું નામ કરોડપતિ ચોર પડી ગયું હતું. જો કે અત્યારે તે લુખ્ખો હોવાનું અને ચોરી ઉપર ચોરી કરી રહ્યો હોવાનું ખુલ્યું છે.