અગ્નિકાંડ મુદ્દે ન્યાયની દેવીને સાથે રાખી તપાસ કરવા માંગ
જુદા-જુદા સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટના કાલાવડ રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ મામલે શુક્રવારે રાજકોટ શહેરના વિવિધ સંગઠનોએ ન્યાયની દેવીને સાથે રાખી આશ્ચર્યજનક રીતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નરાધમોને સજા કરવાની સાથે દોષિતોની સંપત્તિ કબ્જે કરી ભોગ બનનાર પીડિતોને ન્યાય આપવા માંગ કરી હતી.
રાજકોટના જુદા-જુદા સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, ગત તા.25મી મેના રોજ કાલાવડ રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લગાવની ઘટનામાં 27 લોકોના મૃત્યુ નિપજતા આ ગંભીર બનાવમાં દોષિતોને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થાય તેવી ન્યાયિક તપાસ કરવાની સાથે પોતાના સ્વાર્થ માટે અંગત નાણાં કમાવાની લાલચમાં અધિકારીઓના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નિષ્પક્ષ તપાસ કરી અધિકારીને પણ છોડવામાં ન આવવા જોઈએ તેમ જણાવ્યું હતું.
વધુમાં ન્યાયની દેવીની પ્રતિમા સાથે રાખી રજુઆત કર્તાઓએ જણાવ્યું હતું કે, 27 લોકોનો ભોગ લેનાર આ ઘટનામાં અમે લોકો ન્યાયની દેવીને આંખની પટ્ટી ખોલી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરીએ છીએ. આ ઉપરાંત અગ્નિકાંડમાં દોષિત અધિકારીઓ અને અન્ય આરોપીઓની સંપત્તિ જપ્ત કરી દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોને એ સંપત્તિ વહેંચી દેવામાં આવે તેવી પણ અંતમાં માંગ કરવામાં આવી હતી.