અંબિકા ટાઉનશિપમાં ચાલતા દેશી દારૂના હાટડા પર જનતા રેડ
સાત વર્ષથી દેશી દારૂનું વેચાણ થતું હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી : દારૂ છુપાવવા માટેના જમીનમાં ત્રણ ચોરખાના પણ મળ્યા : તાલુકા પોલીસ હપ્તા ખાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
પોલીસની દેશી દારૂના અડ્ડા પર અનેક ડ્રાઈવ છતાં ધંધા બંધ ન થયા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજ્યના તમામ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે,તેને રોકવા માટે પોલીસતંત્ર નિષ્ફળ નિવડી રહી છે. જેના અંતર્ગત જનતા રેડ પાડતી હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે રાજકોટના કણકોટ વિસ્તારમાં અંબિકા ટાઉનશિપ પાસે જાહેર માં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા. જેના લીધે આજુબાજુના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનો નિરાકરણ ન થતા જનતાએ જ દારૂના અડ્ડા પર રેડ પાડી હતી.અને દારૂ છુપાવવાના ત્રણ ચોર ખાના પણ મળી આવ્યા હતા.જ્યારે મહિલાઓ રણચંડી બનતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.
માહિતી મુજબ શહેરમાં અંબિકા ટાઉનશિપ પાસે છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે.અને આ અડ્ડા પર સ્થાનિક પોલીસ દરોડો પાડે છે. બાદમાં બે દિવસ બંધ રહી આ દારૂના અડ્ડા ફરી ધમધમવા લાગે છે. ત્યારે અહી રહેતા લતાવાસીઓ ગઇકાલે આ દારૂના અડ્ડાઓથી કંટાળ્યા હતા. અને મહિલાઓએ અહી જનતા રેડ કરી હતી.લોકોના ટોળા આવતા જ દારૂડિયાઓ નાશી છૂટયા હતા.
સ્થાનિક લોકોએ પોલીસની પોલ ખોલી હતી. અને દારૂના અડ્ડા પરથી દારૂ છૂપાવવા માટેના જમીનની અંદર ત્રણ ચોર ખાના પણ મળી આવ્યા હતા.બીજી બાજુ આ ઘટનાની જાણ તાલુકા પોલીસને થતાં ટીમો દોડી આવી હતી. અને મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.જ્યારે પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવી દારૂના અડ્ડા ચાલવા દેવામાં આવતા હોવાના આક્ષેપો પણ રહેવાસીઓએ કર્યા હતા.
બે વર્ષથી ધંધો બંધ કરી દીધો હોવાનું કહી મહિલા બુટલેગરનો બચાવ
અંબિકા ટાઉનશિપમાં મહિલાઓ દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડા પડતાંની સાથે જ બુટલેગરોમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે અહી જેના મકાનમાં દારૂનું વેચાણ થતું હતું.તે મહિલા બુટલેગર સ્થાનિકોના હાથમાં આવી જતાં તેને ઘેરી લેવામાં આવી હતી.અને ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ દોડી આવી હતી.તો બીજી બાજુ મહિલા બુટલેગરે પોતાનો બચાવ કરતાં અહી બે વર્ષથી દારૂનો ધંધો બંધ કરી દીધા હોવાનું કહ્યું હતું. તો સ્થાનિકોએ પુરાવા રૂપે દેશી દારૂનું વેચાણ થતાં હોવાનો વિડીયો પણ પોલીસને રજૂ કર્યો હતો.