રાજકોટમાં આવેલું 125 વર્ષ જૂનું વાઘેશ્વરી માતાજી હજારો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર
- વાઘેશ્વરી માતાજીનું મંદિર જેના દ્વાર, સિંહાસન,ત્રિશૂલ છે ચાંદીના
- અંદાજિત 100 વર્ષોથી નવરાત્રી દરમિયાન ગરબીનું કરવામાં આવે છે આયોજન
- બાળાઓ જ્યાં રાસ રમે છે તે ગરબો અને ગરબી ચાંદીનો હોય છે
માતાજીની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રી..નવલી નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે આજે આપણે વાત કરીશું રાજકોટના વર્ષો જૂના વાઘેશ્વરી માતાજીના મંદિર વિશે. રાજકોટમાં રામનાથપરા મેઇન રોડ નજીક વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. વાઘેશ્વરી માતાજી ઐશ્વર્ય આપનાર દેવી અને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિર હજારો માઈભક્તોની આસ્થાનું પ્રતિક છે તેમજ નવરાત્રી દરમિયાન અહી માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉમટી પડે છે.

રાજકોટમાં રામનાથપરા મેઇન રોડ નજીક એકમાત્ર શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જે 125 વર્ષ જૂનું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં દ્વાર, ત્રિશૂલ, અષ્ટભુજા, સિંહાસન ચાંદીના છે. રાજસ્થાનમાં આવેલા ભીલમાળામાં માતાજીનું મૂળ સ્વરૂપ આવેલું છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. વશિષ્ઠ પુરાણની અંદર માંધાતા અને વશિષ્ઠના સંવાદમાં વર્ણન છે લે સુવર્ણ દૈત્યનો વધ કરવા માટે અંબા માંએ વાઘેશ્વરી માતાજીનું સ્વરૂપ ધારણ કરીને તેનો વધ કર્યો હતો.
100 વર્ષથી થાય છે ગરબીનું આયોજન

અંદાજિત 100 વર્ષથી વાઘેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન ગરબીનું આયોજન કરવામાં આવે છે. પહેલા અંહી ફક્ત પુરુષો દ્વારા જ ગરબીમાં રાસ રમવામાં આવતા હતા ત્યારે હવે અહી બાળાઓ ભાગ લે છે. અહીં મંદિરના પટાંગણમાં લગભગ 100થી વધુ બાળાઓ ગરબે ઘુમે છે ત્યારે એવું દ્રશ્ય લાગે છે જાણે માતાજી ગરબે ઘૂમી રહ્યા હોય.

આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં દ્વાર, ત્રિશૂલ, અષ્ટભુજા, સિંહાસન ચાંદીના છે. અહીં મંદિરના પટાંગણમાં દીકરીઓ ગરબે ઘૂમે છે. જ્યાં દીકરીઓ ગરબે ઘૂમે છે તે ગરબો અને ગરબી ચાંદીનો હોય છે. નવરાત્રી દરમિયાન મંદિરમાં માતાજીને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે તેમજ માતાજીને વિવિધ પ્રસાદ પણ ધરવામાં આવે છે.

વૈશાખ સુદ પાંચમના રોજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય છે. વાઘેશ્વરી માતાજી સોની સમાજના થડાના દેવી છે. ત્યારે દરેક સોની વેપારીઓ અહીં માતાજીની આરાધના કરવા માટે આવે છે અને શીશ ઝુકાવે છે. ખાસ કરીને ઝાલાવાળી સોની સમાજના નેજા હેઠળ માતાજીનો હવન થાય છે.