ચાર લાખ રોકાણ, રોજ ચાર હજારનું વળતર: વેપારીના ૧૩ લાખ ફસાયા
અંકલેશ્વરમાં રહેતાં શખ્સ અને તેની ટોળકીએ ટીબેક નામનો કોઈન લોન્ચ કરવાના નામે પૈસા પડાવ્યા
ક્રિપ્ટો કરન્સીના નામે પૈસા ડૂબ્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરમાં રહેતાં શખ્સ તેમજ તેની ટોળકીએ રાજકોટના સાબુના વેપારી પાસેથી ક્રિપ્ટો કોઈનમાં રોકાણના બહાને ૧૩ લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. આ ટોળકીએ વેપારીને ચાર લાખના રોકાણના બદલામાં રોજનું ચાર હજાર રૂપિયા વળતર અને ચારસો દિવસે રોકાણના ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી હતી.
આ અંગે મોહસીન રસિદભાઈ મુલતાનીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેને તેની જ જ્ઞાતિનો અમિત મનુભાઈ મુલતાની ભેગો થયો હતો અને તેણે કહ્યું હતું કે હમણા ક્રિપ્ટો કરન્સીનું બહુ ચાલે છે અને ફિરોજ મુલતાનીએ એક કોઈન બનાવ્યો છે જે લિસ્ટિંગ થશે એટલે જબરા રૂપિયા મળે તેમ છે. જો અત્યારે આ કોઈનમાં ચાર લાખનું રોકાણ કરે તો તેને રોજ ચાર હજારનું વળતર મળશે.
આ પછી લીંબડીમાં સમાજનું સંમેલન હતું ત્યાં બધા ભેગા થયા હતા. આ વેળાએ ફિરોજ દિલાવરભાઈ મુલતાની, નીતિન જગત્યાની, અમિત મનુભાઈ મુલતાની, અઝહરુદ્દીન સતારભાઈ મુલતાની તેમજ મકસુદ સૈયદ સહિતના ત્યાં આવ્યા હતા અને મોહસીન સહિતને મળ્યા હતા. આ લોકોએ ક્રિપ્ટો કરન્સી માટે બ્લોક ઓરા નામની કંપની બનાવી છે તેમાં ટીબેક નામનું કોઈન લોન્ચ કરવાનું છે એટલે જો તેમાં રોકાણ કરવાથી બહુ પૈસા મળશે તેમ કહીને ૧૩ લાખ રૂપિયા લીધા હતા જે પૈકી ૪.૨૫ લાખના બે અને ૪.૫૦ લાખનું એક આઈડી આપ્યું હતું. આ ત્રણેય આઈડી ગુગલ પર વેબસાઈટ ડીઈએફઆઈએઆઈમાં બનાવ્યા છે જે ત્રણ આઈડીના ૨૪૫ ટીબેક કોઈન ટ્રસ્ટ વોલેટમાં બતાવે છે પરંતુ વિડ્રો થઈ રહ્યા ન્હોતું.
આ વાત અમિત મુલતાનીને કરતા તેણે એમ કહ્યું હતું કે રોકાણ કર્યું છે તેના કરતા તમને વધારે પૈસા મળશે પરંતુ હજુ સુધી કોઈ જ પૈસા મળ્યા નથી. આમ ફિરોજ મુલતાની, અઝહરુદ્દીન મુલતાની, નીતિન જગત્યાની, અમિત મુલતાની અને મકસુદ સૈયદે મળીને છેતરપિંડી આચરતાં પાંચેય સામે ગુના નોંધાયા છે.