ભંડારિયા ગામનો બનાવ ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં વાડીએ જમતી વખતે ગાળો બોલવા જેવી સામાન્ય બાબતમાં બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. આરોપીની માતાની હાજરીમાં તેન મિત્રએ ગાળ બોલતાં મામલો બિચકયો હતો અને ઉશ્કેરાટમાં આવી આરોપી લાકડીના બેફામ ઘા ઝીંકી સાથે જમવા બેઠેલા મિત્રની જ લોથ ઢાળી દીધી હતી.
મળતી માહિતી મુજબ, હાલ શાપર-વેરાવળ ખાતે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના મોટી કુકાવાવના વતની જગદીશભાઈ રમેશભાઈ ડાબસરાએ સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમનો નાનો ભાઈ લાલજી ઉર્ફે લાલો (ઉ.વ.૨૮) વેકરી ગામે રહીને ડ્રાઇવિંગનું કામ કરતો હતો. તારીખ ૧૮ ના મોડી રાત્રે જગદીશભાઈને તેમના સંબંધીનો ફોન આવ્યો હતો કે, લાલજી ભંડારિયા ગામે તેના મિત્ર નીતિન રમણીકભાઈ મકવાણાની વાડીએ ગયો છે અને ત્યાં કોઈ માથાકૂટ થતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ પણ વાંચો: શું સોશિયલ મીડિયા પર આપણે હવે માત્ર મશીનો અને ભૂતો સાથે જ વાતો કરી રહ્યા છીએ?
આ સમાચાર મળતા જ પરિવારજનો અને સંબંધીઓ તાત્કાલિક ભંડારિયા ગામે વાડીએ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોયું તો લાલજી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાસ્થળે નીતિન મકવાણા અને તેનાં માતા પણ હાજર હતા.પરિવારજનોએ જ્યારે નીતિનને પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તે અને લાલજી બંને જમવા બેઠા હતા ત્યારે લાલજી અચાનક ખરાબ ગાળો બોલવા લાગ્યો હતો. બાજુની ઓરડીમાં નીતિનની માતા પણ હાજર હોવાથી, નીતિને લાલજીને ગાળો ન બોલવા સમજાવ્યો હતો. પરંતુ લાલજી માનવાને બદલે ઉલટો નીતિનને પણ ગાળો આપવા લાગ્યો હતો. આ સાંભળીને ઉશ્કેરાઈ ગયેલા નીતિને બાજુમાં પડેલી લાકડી ઉપાડીને લાલજીના માથા અને મોઢાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા લાલજીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાવ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કુકાવાવ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી ડોક્ટરે વધુ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કર્યો હતો. આ સમગ્ર મામલે સુલતાનપુર પોલીસ મથકના પી.આઈ. જે.એ.ખાચરે જગદીશભાઈની ફરિયાદના આધારે આરોપી નીતિન મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
