રાજકોટમાં ઈન્સ્યોરન્સના નામે છેતરપિંડી : વેપારી પાસેથી બે ગઠિયાએ 13 લાખ પડાવ્યા, વાંચો શું છે સમગ્ર ઘટના
રાજકોટના કોઠારિયા રોડ પર સાઈબાબા સર્કલની બાજુમાં રહેતા અને ઘડિયાળના કાચ બનાવવાનું કામ કરતા વેપારી સાથે બે ગઠિયાએ ઈન્સ્યોરન્સના નામે 13 લાખ પડાવી લેતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ અંગે કિશોરભાઈ લાભુભાઈ ગમઢા (ઉ.વ.51)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના પર એએક્સએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારીની ઓળખ આપી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે કિશોરભાઈએ દર વર્ષે 80000 રૂપિયાનું પ્રિમીયમ ભરવાનું રહેશે. આ પ્રકારે ચાર વર્ષ સુધી તેઓ પૈસા ભરશે તો તેમને સાતમા વર્ષે 7 લાખ રૂપિયા મળશે. આ સ્કીમ પસંદ પડી જતાં રમેશભાઈએ ત્રર વર્ષ સુધી 80 હજાર લેખે 2.40 લાખ રૂપિયા ભર્યા હતા. જો કે થોડા સમય બાદ ફોન કરનાર વ્યક્તિનો ફોન બંધ થઈ ગયો હતો.
ત્યારપછી એ જ વીમા કંપનીમાંથી દિક્ષીતા શાહ નામની મહિલાનો ફોન આવ્યો હતો જેમાં તેણે કહ્યું કે કિશોરભાઈના નામે 15 લાખ રૂપિયા જમા પડ્યા છે એટલા માટે જો છ મહિના સુધી તેઓ પૈસા ભરશે તો 72 લાખ રૂપિયા મળશે. જો કે અગાઉના 2.40 લાખ ન મળ્યાનું કહેતા ફોન કરનારે કહ્યું હતું કે એ વ્યક્તિ ફ્રોડ હોય તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે.
મહિલા પર વિશ્વાસ કરી રમેશભાઈએ કટકે કટકે 13.28 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ તેમને ઈન્સ્યોરન્સ પોલિસીના કાગળ કે પૈસા પરત ન મળતા તેમણે સાયબર ક્રાઈમમાં અરજી કરતા ફોન કરનાર મહિલાએ સમાધાન માટે ફોન કરી પોતાનું સાચુ નામ જણાવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે તેનું નામ કુસુમ ગણપતસિંહ રાજપૂત છે. આમ ખોટું નામ ધારણ કરી પૈસા પડાવી લેતા ગુનો દાખલ થયો હતો.
