સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ
ભારતના ટેક્નોલોજી ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદ GIDCમાં દેશના પહેલા મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. 7,600 કરોડના રોકાણથી બનેલી CG સેમિની OSAT સુવિધા હવે ભારતને ચીપ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું બનશે. PM મોદીએ યુવા એન્જિનિયરો સાથે વાત કરીને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાનું સ્વપ્ન પણ વ્યક્ત કર્યું.
સાણંદમાં શરૂ થયો CG સેમિનો OSAT પ્લાન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ GIDC ખાતે CG સેમિ પ્રા. લિ.ની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું લોકાર્પણ કર્યું. આ પ્લાન્ટમાં ચીપનું એસેમ્બલી અને ટેસ્ટિંગ થશે. ઉદ્ઘાટન બાદ PMએ પ્લાન્ટની મુલાકાત લઈને ઉત્પાદન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવી અને ત્યાં કામ કરતા યુવા એન્જિનિયરો સાથે સંવાદ પણ કર્યો.
India Semiconductor Mission હેઠળનો પહેલો મોટો પ્રોજેક્ટ
ફેબ્રુઆરી 2024માં કેન્દ્રીય કેબિનેટે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ISM હેઠળ મંજૂર થયેલા 4 પ્રોજેક્ટ્સમાં આ સૌથી મહત્વનો છે. અહીંથી તૈયાર થતી સેમિકન્ડક્ટર ચીપ્સ હવે દેશ અને વિદેશના બજારમાં સપ્લાય થશે. આનાથી ભારતની ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન મજબૂત બનશે.
જાપાન-થાઈલેન્ડ સાથે ભાગીદારી
CG સેમિ પ્રા. લિ.એ આ પ્રોજેક્ટ માટે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સાથે હાથ મિલાવ્યા છે. આંતરાષ્ટ્રીય સહયોગના કારણે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેપ પર સ્થાન મળશે અને ટેકનોલોજી ટ્રાન્સફર પણ સરળ બનશે.
PM મોદી: “આવનારો દાયકો ટેકનોલોજી ક્રાંતિનો”
કાર્યક્રમને સંબોધતા PM મોદીએ કહ્યું કે ભારત હવે ઝડપથી સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ ક્ષેત્રમાં થતું રોકાણ યુવાનો માટે રોજગારીની તકો અને સ્થાનિક ઇકોસિસ્ટમને નવી ઉંચાઈ આપશે. આવનારા વર્ષો ભારત માટે ટેક્નોલોજીના ક્ષેત્રમાં ગેમ-ચેન્જર સાબિત થશે.
ગુજરાત માટે ગૌરવની ક્ષણ
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. નિષ્ણાતોના મતે સાણંદનો આ પ્લાન્ટ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે હાઇ-સ્કિલ રોજગારી અને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવામાં સહાયક બનશે.
