બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100 રૂપિયા…રાજકોટના KKV બ્રિજ નીચે ગેમઝોન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ, જાણો A TO Z માહિતી
મહિને 16666 રૂપિયામાં ગેઈમ ઝોન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ
રાજકોટીયન્સ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કેકેવી (શ્રીરામ બ્રિજ) બ્રિજ નીચે ગેઈમ ઝોન સંસ્થા, વ્યક્તિ કે એકેડેમીને ભાડે આપવાનો નિર્ણય લઈ મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ટેન્ડરમાં નક્કી કરાયેલી શરત પ્રમાણે આ ગેઈમ ઝોન હેઠળ બોક્સ ક્રિકેટની પ્રતિ કલાકની ફી 400, સ્નૂકરની પ્રતિગેઈમ ફી રૂા.100 તો પુલ ટેબલની પ્રતિ ગેઈમ 50 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ ગેઈમ ઝોન મહિને 16666 રૂપિયામાં ભાડે આપવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એકંદરે ટેન્ડરમાં આ ગેઈમ ઝોનને ભાડે આપવાની અપસેટ પ્રાઈસ બે લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100, પુલ રૂા.50 રમી શકાશે
આ ગેઈમ ઝોનમાં બોક્સ ક્રિકેટ, પીકલ બોલ (પ્રતિ કલાક 500 રૂપિયા ફી), સ્કેટિંગ રિન્ક (500 રૂપિયા પ્રતિ માસ-પ્રતિ મેમ્બર) ઉપરાંત ઈનડોર ગેમ્સ જેવી કે સ્નૂકર ટેબલ, પુલ ટેબલ, ઈલેક્ટ્રિક એર હોકી, ચેસ, કેરમ સહિતની રમતો રમી શકાશે. બોક્સ ક્રિકેટ 50 મીટર બાય 15 મીટરના વિસ્તારમાં ફેલાયેલું રહેશે અને તેમાં એસ્ટ્રો ટર્ફ સરફેસની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત પીકલ બોલમાં સિન્થેટિક ટ્રેક જેની સાઈઝ 13.41 મીટર બાય 6.10 મીટર રહેશે. સ્કેટિંગ રિન્ક માટે સિમેન્ટ સરફેસની સુવિધા આપવામાં આવશે.
સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી જ ગેઈમ ઝોન ખુલ્લો રહેશે
આ માટે અનેક શરતો પણ નક્કી કરવામાં આવી છે જે પ્રમાણે ગેઈમ ઝોન સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ ઉપરાંત ગેઈમ ઝોનના ઉપયોગ વખતે ત્યાં રમનારને કોઈ પ્રકારની ઈજા, નુકસાન કે જાનહાની થાય તો તેની જવાબદારી ગેઈમ ઝોન ભાડે રાખનાર સંસ્થા, એકેડેમી અથવા તો વ્યક્તિની રહેશે. ખાસ કરીને ગેઈમ ઝોનમાં આવનારા લોકોના વાહનોના પાર્કિંગની વ્યવસ્થા પણ ભાડે રાખનારે જ કરવાની રહેશે અને આ વ્યવસ્થા કર્યા બાદ ટ્રાફિકજામ સહિતની સમસ્યા ન સર્જાય તે જોવું ફરજિયાત રહેશે. ગેઈમઝોનની અંદર ફૂડ પેકેટસ લઈ જવા તેમજ ધુમ્રપાન, પાન-માવા કે કેફી દ્રવ્યોના સેવન પર પ્રતિબંધ રહેશે.