બાંગ્લાદેશ : ઢાકામાં પ્રદર્શનકરીઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો ઘેરાવ, ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું
- કામચલાઉ સરકારને ગેર બંધારણીય જાહેર, કરવાનું અદાલતનું ષડયંત્ર હોવાનો આક્ષેપ
- ઢાકામાં હજારો વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના ઘેરાવ: ચીફ જસ્ટિસ નું રાજીનામું
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનસના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકારના ગઠન પછી પણ તોફાનો શાંત થવાનું નામ નથી લેતા. કાયદો અને વ્યવસ્થા ઉપર તંત્ર કાબૂ ગુમાવી બેઠું હોય તેમ શનિવારે સવારે હજારો વિદ્યાર્થીઓ અને વકીલોએ ઢાકા ખાતે સુપ્રીમ કોર્ટને ઘેરો ઘાલી એ પરિસર નો કબજો લઈ લેતા ભારે સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી. આંદોલનકરીઓએ ચીફ જસ્ટિસ ઓબાદઉલ હસનના રાજીનામાની માંગણી કરી અને દેશભરમાં ન્યાયાધીશોના નિવાસ્થાનો પર દેખાવ,ધરણા અને હુમલા કરવાની ધમકી આપતા ભારે તંગદીલી ફેલાઈ હતી. અંતે ચીફ જસ્ટીસે પોતાના રાજીનામાની ઘોષણા કરવી પડી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે શનિવારે ફુલ કોર્ટ ની મીટીંગ બોલાવી હતી. એ નિર્ણયની જાણ થતા જ હજારો વિદ્યાર્થીઓ અને વકીલો ઢાકા ખાતેના સુપ્રીમ કોર્ટ પરિસરમાં પહોંચી ગયા હતા. ચીફ જસ્ટિસ દ્વારા મહંમદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારને ગેર બંધારણીય ઠેરવવાનું ષડયંત્ર રચાયું હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.અંતે ચીફ જસ્ટિસ એ માંગણી સામે ઝૂકી ગયા હતા અને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.
આંદોલનકારી વિદ્યાર્થીઓએ, ન્યાયતંત્ર શેખ હસીના અને અવામી લીગની આંગળી ઉપર નાચતું હોવાના આક્ષેપો કર્યા હતા. શનિવારે સુપ્રીમ કોર્ટના ઘેરાવમાં વકીલો પણ સામેલ થયા હતા એટલું જ નહીં વચગાળાની સરકારના ખેલ મંત્રીના સલાહકાર આસિફ મહમદે પણ ચીફ જસ્ટીસ ના બિનશરતી રાજીનામાની માગણી કરી હતી. ચીફ જસ્ટીસે સુપ્રીમ કોર્ટ તેમજ દેશભર ની અન્ય અદાલતોના ન્યાયધીશોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઇ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું.
હસીનાના રાજીનામા બાદ થયેલા તોફાનોમાં વધુ 232 લોકોના મોત
ગત શનિવારે શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા તે પછી પણ બાંગ્લાદેશમાં અવામી લીગના કાર્યકરો અને હિન્દુઓ પરના હુમલા અટકવાનું નામ નથી લેતા. અનેક ગામડાઓ અને શહેરોમાં અવમી લીગ અને હરીફ રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા છે. બાંગ્લાદેશના અગ્રણી અ ખબાર ઢાકા ટ્રીબ્યુનના જણાવ્યા અનુસાર હસીનાના રાજીનામા બાદ પણ ચાલુ રહેલા તોફાનોમાં વધુ 232 લોકોના મૃત્યુ થયા છે અને એ સાથે જ 23 દિવસથી ચાલતા આંદોલનમાં મૃત્યુ આંક 560 ને આંબી ગયો છે.
શેખ હસીનાએ રાજીનામું આપ્યું જ નથી,ભારતમાં જ રોકશે: પુત્રનો દાવો
બાંગ્લાદેશમાં હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે શેખ હસીનાના પુત્ર જોય સાજીદે કહ્યું હતું કે તેમના માતાએ અન્ય કોઈ રાષ્ટ્રમાં આશ્રય માગ્યો જ નથી અને તેઓ ભારતમાં જ રોકાશે. સાજીદે કહ્યું કે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું જ નથી. તેમને રાજીનામાનો પત્ર સુપ્રત કરવાનો સમય જ નહોતો મળ્યો અને એ સંજોગોમાં તેઓ આજે પણ બાંગ્લાદેશના બંધારણીય વડાપ્રધાન છે તેવો દાવો તેમણે કર્યો હતો. સાજીદે બાંગ્લાદેશની વચગાળાની સરકારની કાયદેસરતાને પણ પડકારતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશના પ્રમુખે સંસદનું વિસર્જન કર્યું પરંતુ શેખ હસીનાની મંજૂરી વગર વચગાળાની સરકારનું ગઠન ગેર બંધારણીય ગણાય. એક અખબાર ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે બાંગ્લાદેશ પરત ફરી અવામી લીગનું નેતૃત્વ સંભાળવની અને ચૂંટણી પણ લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.શેખ હસીના સામે થયેલા આંદોલન પાછળ વિદેશી તાકાતો જવાબદર હોવાનું જણાવી તેમણે કહ્યું કે આજે પણ બાંગ્લાદેશના બહુમતી લોકો અવામિ લીગનું સમર્થન કરે છે.
