એક એવું શિવ મંદિર કે જેના ગર્ભગૃહમાં બિરાજમાન છે રામ દરબાર-રાધા કૃષ્ણજી
200 વર્ષથી પણ વધારે જૂનું છે “ભોમેશ્વર મહાદેવ” મંદિર
આ મંદિરમાં જમીનથી 10 ફૂટ નીચે છે શિવલિંગ: ભોં (જમીન)માંથી શિવલિંગ પ્રગટ થયું હોય કહેવાયા ભોમેશ્વર મહાદેવ: રાજવી પરિવાર અને રણછોડદાસ બાપુએ કરી હતી મંદિરની સ્થાપના

સમગ્ર દેશમાં ભગવાન શિવજીના વિવિધ પ્રકારના અને વિવિધ મહત્વ ધરાવતા મંદિરોમાં સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે. રાજકોટમાં મહાદેવજીના અનેક પ્રાચીન મંદિરો છે. જેમાં કેટલાક મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. આવું જ એક મંદિર છે શહેરનું ખૂબ જ જાણીતું “ભૌમેશ્વર મહાદેવ મંદિર”. આ મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિર અંદાજે 200 વર્ષ જૂનું છે અને અહી પણ શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. આ મંદિરમાં શિવજીના દર્શન કરવા માટે ભક્તોએ ભોંયરામાં પગથિયાં ઉતરીને જવું પડે છે.

શહેરના જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં આવેલા “ભોમેશ્વર મહાદેવ” મંદિરની સ્થાપના રાજવી પરિવાર અને રણછોડ દાસ બાપુએ કરાવી હતી. જ્યારે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. મંદિરના મહંત બટુકદાસજી અગ્રાવતે મંદિરની વિશેષતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આ મંદિર રાજકોટનું એક એવું પ્રથમ મંદિર છે કે, શિવ મંદિરના ગર્ભ ગૃહમાં રામ દરબાર અને રાધા-કૃષ્ણની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય.

મંદિરના મહંતે આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ અને અહી શિવલિંગ છે તેની જાણ કઈ રીતે થઈ તે અંગે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા અહી ખેતરો આવેલા હતા. તે સમયે ભગતબાપા તરીકે ઓળખાતા એક બ્રહ્મચારીને હાલ જ્યાં મંદિર છે ત્યાં નાગ-નાગણીના દર્શન થયા હતા. બાદમાં લોકોને તે વાત કરી હતી. જેથી અહી ખોદકામ કરવામાં આવતા શિવલિંગ નીકળ્યું હતું. ત્યારબાદ રાજવી પરિવાર અને રણછોડદાસ બાપુએ અહી મંદિરની સ્થાપના કરી હતી. તે સમયે રણછોડદાસ બાપુ જામનગરમાં હતા. તેમને રાજકોટ બોલાવ્યા હતા. રણછોડ દાસ બાપુએ તે સમયે ધર્મસભા બોલાવવા કહ્યું હતું. મંદિરના મહંતે વધુમાં કહ્યું હતું કે, આ ધર્મસભામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો આવ્યા હતા.
આ મંદિરમાં શિવલિંગ જમીનથી અંદાજે 10 ફૂટ નીચે આવેલું છે. માટે એક ભોંયરામાં આવેલું હોય તેવું મંદિર લાગે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ, લક્ષમણ, જાનકીજી તેમજ રાધા-કૃષ્ણની પણ સ્થાપના કરવામાં આવી છે. આમ આ મંદિર રાજકોટનું એક એવું મંદિર છે કે જ્યાં શિવ મંદિરના ગર્ભગૃહમાં શિવજી, રામ દરબાર અને રાધા-કૃષ્ણ બિરાજમાન હોય.
એક એકરમાં આવેલા આ મંદિરમાં પ્રવેશતા જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. આ વિસ્તારના લોકોને ભોમેશ્વર મહાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે. શિવજી લોકોની મનોકામના પણ પૂર્ણ કરતાં હોવાનું લોકોનું કહેવું છે. જ્યારે આ મંદિરમાં કોઈપણ પ્રકારનો ફાળો કે ફંડ લેવામાં આવતું નથી. શ્રદ્ધાળુઓ સામેથી જ યથાશક્તિ પોતાનું યોગદાન આપે છે. મહત્વનું છે કે, આ મંદિરમાં ભક્તો ખુદ ગર્ભગૃહમાં જઈને ભગવાન ભોળાનાથની પુજા સેવા કરી શકે છે. ભોમેશ્વર મહાદેવ મંદિરને કારણે આજે સમગ્ર વિસ્તાર ભોમેશ્વર તરીકે જાણીતો બન્યો છે.
આ મંદિરમાં રામાનંદી સાધુ અજયબાપુ પૂજારી તરીકે મંદિરની સેવા પુજા કરી રહ્યા છે. પહેલા તેમના પિતા એટલે કે મંદિરના મહંત બટુકદાસજી મંદિરની પૂજા કરતાં હતા. અહી તમામ ધાર્મિક ઉત્સવો જેવા કે રામ નવમી, શિવરાત્રી તેમજ પ્રવિત્ર શ્રાવણ માસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
મંદિરમાં આવેલી ગૌશાળામાં લેવાય છે 35 ગાયની સાર સંભાળ
ભોમેશ્વર મંદિરના પ્રાંગણમાં જ એક વિશાળ ગૌશાળા આવેલી છે. જેમાં ગાયોની સર સંભાળ લેવામાં આવે છે. અંદાજે 30 થી 35 ગાય આ ગૌશાળામાં છે. આ ગાયોની સાર સંભાળ માટે પણ અલગથી સ્ટાફ રાખવામાં આવ્યો છે.
મંદિરમાં ફરકે છે ધોળી (સફેદ) ધજા
ભોમેશ્વર મંદિર આજે ભોમેશ્વર વિસ્તારમાં રહેતા લોકો ઉપરાંત શહેરના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની અન્ય એક વિશેષતાની વાત કરવામાં આવે તો અહી મંદિર ઉપર ધોળી (સફેદ) ફરકે છે. જ્યારે અન્ય શિવ મંદિરો ઉપર ભગવા (કેસરી) રંગની ધજા ફરક્તિ જોવા મળતી હોય છે.
