રાજ્યમાં આગામી 7 દિવસ મેઘરાજા બઘડાટી બોલાવશે : હવામાન વિભાગની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાથોસાથ સૌરાષ્ટ્રમાં પણ વરસાદીમાં હોય જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં મેઘરાજા બઘડાટી બોલાવશે. ખેડૂતો માટે આ એક સારા સમાચાર કહી શકાય તેમજ લોકોને વરસાદના કારણે અસહ્ય બફારામાંથી રાહત મળી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી બે દિવસ દરિયામાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઇને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
રેડ અલર્ટ (ભારે થી અતિ ભારે વરસાદ): જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી
ઓરેન્જ અલર્ટ (અતિભારે વરસાદ): જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપી
યેલો અલર્ટ (ભારે વરસાદ): અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ
24 કલાકમાં 130 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં મેંદરડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ખંભાળિયામાં 3 ઈંચ, સંખેડામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ, બોટાદ, પાલિતાણા, લોધિકા, સાવરકુંડલામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો ટંકારા, વાલિયા, બોડેલી, માંગરોળ, નેત્રંગ, માળિયા હાટીના, પડધરી, ચુડા, જેતપુર-પાવી અને ક્વાંટમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.