સ્વાતિ માલીવાલે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને ફરિયાદ કરી
ન્યાય અપાવવા માંગણી કરતો પત્ર રાહુલ, શરદ પવાર સહિતનાને પાઠવ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવનારા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ ફરી ચર્ચામાં આવી ગયા હતા. માલીવાલે ‘ઈન્ડિયા બલોક’ના તમામ નેતાઓને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે મારે ન્યાય જોઈએ છે. એક રીતે આ મામલે દરમિયાનગીરી કરવાની સ્વાતીએ માંગ કરી છે.
માલીવાલે રાહુલ ગાંધી અને શરદ પવાર સહીત ‘ઈન્ડિયા બલોક’ના તમામ મોટા નેતાઓને પત્ર લખીને કહ્યું કે, મેં 8 વર્ષ સુધી દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષતા કરી છે. આ દરમિયાન મેં મહિલાઓ અને બાળકો સામે 1.7 લાખથી વધુ ફરિયાદો પર સુનાવણી કરી છે. પરંતુ કમનસીબે સાંસદ બન્યા બાદ 13 મે ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએએ મારી સાથે મારપીટ કરી. આ ઘટના બાદ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવાનું પગલું ભર્યું. પરંતુ આવી સ્થિતિનાં મારું સમર્થન કરવાના બદલે મારી પોતાની જ પાર્ટીના નેતાઓ અને સ્વયંસેવકોએ મારું ચરિત્ર હનન કરવાનું શરૂ કર્યું.
સ્વાતિ માલીવાલે કહ્યું કે, કોઈનાથી ડર્યા વિના અને કોઈની સામે ઝૂક્યા વિના મેં મહિલા આયોગને એક ખૂબ ઊંચા સ્થાને પહોંચાડ્યું છે. પરંતુ અફસોસની વાત એ છે કે પહેલા મુખ્યમંત્રીના ઘરે મારી સાથે મારપીટ કરવામાં આવી અને પછી મારું ચરિત્રહનન કરવામાં આવ્યું છે અને હવે મારે ન્યાય જોઈએ છે.
