લુટારુઓ-તસ્કરોના હવાલે રાજકોટ
રાજકોટમાં વહેલી સવારે અડધી કલાકના અંતરમાં લૂટની બે ઘટના બની
બાઇકમાં આવેલી ત્રિપુટીએ ડીએચ કોલેજ પાસે યુવકને આંતરી 13 હજારની લુંટ ચલાવી : બાદ ત્રિપુટીએ મોકાજી સર્કલ પાસેથી રિક્ષાચાલકને છરી મારી રોકડ અને મોબાઈલની લુંટ કરી
તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી લુટારુઓની શોધખોળ હાથધરી
રાજકોટ હવે જાણે લુટારુઓ અને તસ્કરોના હવાલે હોય તેમ દિન પ્રતિદિન ચોરી અને લૂટની ઘટનાઓ બની રહી છે. જેમાં ગઇકાલ વહેલી સવારે તો અડધી કલાકના અંતરમાં લૂટની બે ઘટના બનાતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં બાઇક પર આવેલી ત્રિપુટી પ્રથમ ડીએચ કોલેજ પાસે જતાં યુવકને આંતરી રૂા.13500ની લુંટ ચલાવી હતી. અને ત્યાર બાદ મોકજી સર્કલ પાસે રિક્ષાચાલકને છરી મારી રોકડ અને મોબાઈલની લુંટ ચલાવી નાશી ગયા હતા. જેથી આ બંને મામલે તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ વાગુદડમાં રહેતા અને ખેતીકામ કરતા માનસીંગભાઈ કાળુભાઈ ઘોડ (ઉ.55) રાત્રે સીવીલ હોસ્પીટલમાં પોતાના પરિચીત દાખલ હોય જેમની ખબર અંતર પુછવા માટે ગયા હતા. બાદમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ પોતાની બાઈક લઈ તેઓ યાજ્ઞીક રોડ પરથી ડીએચ કોલેજ તરફ જતાં હતા.ત્યારે અચાનક જ એક બાઈકમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને બાઈકને આંતરી છરી બતાવી રોકડા રૂપિયા 1500 અને સોનાની બે કડી મળી રૂા.13500નો મુદામાલ લુંટી નાસી છુટયા હતા.
લુટારુઓ ત્યાંથી મોકજી સર્કલ પાસે પહોંચ્યા હતા. ત્યાં રિક્ષા લઈને જતાં કેતનભાઈ રાઘવજીભાઈ ગોહેલ રિક્ષા આડે બાઇક ઊભું રાખી દીધું હતું. અને ચાલકને પોતાની પાસે રહેલ મુદામાલ આપી દેવા ધમકી આપી હતી. લુંટારુઓનો રિક્ષાચાલકે પ્રતિકાર કરતા આરોપીઓએ છરી કાઢી હુમલો કરતા રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. અને રિક્ષાચાલક પાસે રહેલ રૂા.20 હજારનો મોબાઈલ અને રૂા.રોકડ 2000 મળી રૂા.22,000ની લુંટ ચલાવી નાસી છુટયા હતા. જેથી આ મામલે તાલુકા પોલીસ અને એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી લુંટારુઓને પકડવા સીસીટીવી ફુટેજના આધારે ચક્રો ગતિમાન કર્યા હતા.