8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
શેરબજારમાં ઝડપી કમાણીના શોખીનો માટે મોટા સમાચાર છે. મુંબઈની એન્જિનિયર્ડ ફેબ્રિક્સ બનાવતી જાણીતી કંપની Kusumgar પોતાનો 650 કરોડનો IPO લઈને માર્કેટમાં એન્ટ્રી મારી રહી છે. 8 જુલાઈએ ખુલનારા આ IPO માટે ગ્રે માર્કેટ પહેલેથી જ ગરમાયું છે અને પહેલા જ દિવસે 32% સુધીના લિસ્ટિંગ ગેઈનની ચર્ચાએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.
IPO ની તારીખ અને પ્રાઇસ બેન્ડ
Kusumgar કંપનીનો IPO 8 જુલાઈ 2026થી રોકાણ માટે ખુલશે અને રોકાણકારો 10 જુલાઈ સુધી બોલી લગાવી શકશે. કંપનીએ શેર દીઠ 398 થી 419 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ઉપલી પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીનું વેલ્યુએશન લગભગ 4,400 કરોડ આંકવામાં આવ્યું છે.
સંપૂર્ણ OFS ઈશ્યુ, કંપનીને એક રૂપિયો નહીં મળે
ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ એટલે કે OFS છે. કંપની કોઈ નવા શેર બહાર પાડી રહી નથી. તેના બદલે પ્રમોટર્સ સિદ્ધાર્થ યોગેશ કુસુમગાર, સપના સિદ્ધાર્થ કુસુમગાર અને સિદ્ધાર્થ યોગેશ કુસુમગાર HUF પોતાના 1.55 કરોડ શેર વેચી રહ્યા છે. આ 650 કરોડની આખી રકમ પ્રમોટર્સના ખિસ્સામાં જશે. કંપનીના વિસ્તરણ કે દેવું ચૂકવવા માટે IPO માંથી કોઈ નવી મૂડી આવશે નહીં.
આ પણ વાંચો: ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
લોટ સાઈઝ અને રોકાણની રકમ
આ IPO નો એક લોટ 35 શેરનો છે. 419 ની ઉપલી કિંમત પ્રમાણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,665 નું રોકાણ કરવું પડશે. નાના HNI માટે ઓછામાં ઓછા 14 લોટ એટલે કે 490 શેર માટે 2.05 લાખ અને મોટા HNI માટે 69 લોટ એટલે કે 2,415 શેર માટે 10.12 લાખનું રોકાણ જરૂરી બનશે.
કર્મચારીઓને 39 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ
કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 3.5 કરોડના શેર અનામત રાખ્યા છે. ખાસ વાત એ છે કે કર્મચારીઓને ફાઈનલ ઈશ્યુ પ્રાઈસ પર પ્રતિ શેર 39 નું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીનો હેતુ કર્મચારીઓને લાંબા ગાળાની વૃદ્ધિ સાથે જોડવાનો છે.
ગ્રે માર્કેટમાં 135 પ્રીમિયમ, 32% ગેઈનની આશા
લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટમાં Kusumgar ના શેરની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. હાલનું ગ્રે માર્કેટ પ્રીમિયમ GMP લગભગ 135 આસપાસ ચાલી રહ્યું છે. જો લિસ્ટિંગ સુધી આ ભાવ ટકી રહે તો 419 ની ઉપલી પ્રાઇસ બેન્ડ સામે શેર 554 ની આસપાસ લિસ્ટ થઈ શકે છે. એટલે કે રોકાણકારોને પહેલા જ દિવસે 32% જેટલો લિસ્ટિંગ ગેઈન મળી શકે છે.
લિસ્ટિંગ અને એલોટમેન્ટની તારીખ
શેરની ફાળવણી 13 જુલાઈએ થવાની શક્યતા છે અને 15 જુલાઈએ BSE અને NSE પર કંપનીનું લિસ્ટિંગ થશે. જોકે નિષ્ણાતો સલાહ આપે છે કે માત્ર ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને રોકાણ ન કરવું. કંપનીના ફંડામેન્ટલ્સ અને OFS નો મુદ્દો ધ્યાનમાં લઈને જ નિર્ણય લેવો.
