બિલ્ડરોને ધ્રુજાવતાં સાગઠિયાને DCBના ઈન્ટ્રોગેશન રૂમ’માં પરસેવો છૂટી ગયો !
દશકાથી એકચક્રી શાસન ચલાવનારા સાગઠિયા સહિતી ચારેયની વલે
એકમાત્ર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પાસે આ પ્રકારનો આધુનિક રૂમ છે જ્યાં પહેલી વખત ઉચ્ચ અધિકારીની આગવીને ઢબે થયેલી પૂછપરછ
આ રૂમમાં રિઢા ગુનેગારોને બેસાડીને માહિતી ઓકાવાય છે: સાગઠિયા ઉપરાંત ગૌતમ, મુકેશ અને રોહિતને પણ વારાફરતી બેસાડાયા
એ.સી.રૂમમાંથી બહાર નીકળવાની ટેવ નહીં ધરાવતાં ચારેયને અત્યારે
હવા’ મળવાના પણ ફાંફા
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં મહાપાલિકાના તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, તત્કાલિન એટીપીઓ ગૌતમ જોષી, તત્કાલિન એટીપીઓ મુકેશ મકવાણા અને તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અત્યારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રિમાન્ડ હેઠળ છે. આ ચારેયની છેલ્લા ઘણા સમયથી આગવી ઢબે પૂછપરછ થઈ રહી છે જેમાં દરરોજ નવી-નવી માહિતી બહાર આવી રહી છે. રાજકોટના લગભગ તમામ બિલ્ડરને પૂર્વ ટીપીઓ સાગઠિયા સાથે પરિચય' થઈ જ ગયો હશે કેમ કે સાગઠિયા એક એવી વ્યક્તિ છે જેણે તમામ બિલ્ડરોને ધ્રુજાવ્યા છે પરંતુ
અબ આયા ઉંટ પહાડ કે નીચે’ની કહેવત માફક સાગઠિયા અત્યારે પોલીસ પાસે ધ્રુજી રહ્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે સાગઠિયાને ક્રાઈમ બ્રાન્ચના આધુનિક ઈન્સ્ટ્રોગેશન રૂમમાં પૂછપરછ માટે બેસાડાયા ત્યારે રીતસરનો તેનો પરસેવો છૂટી ગયો હતો !
આખા ગુજરાતમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પાસે જ આ પ્રકારનો આધુનિક રૂમ છે જ્યાં રિઢા ગુનેગારોને બેસાડીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ રૂમનો બહુ ઓછો ઉપયોગ થયો છે કેમ કે ક્રાઈમ બ્રાન્ચની કચેરીનું પગથીયું કોઈ આરોપી ચડે એટલે યાદ ન આવતું હોય તો પણ તેને આવી જાય છે આમ છતાં ઘણા શાતીર ગુનેગારો હોય છે જેઓ પોલીસ સમક્ષ મોં ખોલતાં હોતા નથી ત્યારે તેને આ રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવે છે.
જાણવા મળ્યા પ્રમાણે સાગઠિયા પણ પહેલાં તો ઘણા ગલ્લા-તલ્લા કરી રહ્યા હતા પરંતુ જેવી તેને ઈન્ટ્રોગેશન રૂમની હવા ખવડાવાઈ કે પોપટની જેમ બોલતા થઈ ગયા હતા. આ રૂમનો ખૌફ જ એવો છે જ્યાં ભલભલા ગુનેગાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. રૂમમાં એક આરોપીને બેસાડાય છે અને સામે પૂછપરછ કરનાર અધિકારી બેસે છે. જ્યારે પૂછપરછ થાય છે ત્યારે રૂમમાં અંધારું કરી દેવામાં આવે છે અને એક બાદ એક પ્રશ્નોનો મારો ચલાવાય છે જે સાંભળીને સાગઠિયા હચમચી ગયા હતા.
એકલા સાગઠિયા જ નહીં બલ્કે રોહિત, મુકેશ અને ગૌતમની પણ આ રૂમમાં ખાસ' પૂછપરછ કરવામાં આવી હતી જેના કારણે તમામ
પોપટ’ની જેમ બોલતાં થઈ ગયા હતા. એક સમય હતો જ્યારે આ ચારેયને એ.સી. રૂમ અથવા ઓફિસમાં બેસવાની ટેવ હતી પરંતુ અત્યારે ચારેયને `હવા’ ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે કેમ કે જ્યાં આ ચારેયને રખાયા છે તે ક્રાઈમ બ્રાન્ચની લોકઅપમાં મર્યાદિત સંખ્યામાં જ પંખાની વ્યવસ્થા છે.