અદાણી પોર્ટ્સની સ્વિસ જાયન્ટ MSC સાથે 11,600 કરોડની મેગા ડીલ
ભારતના દરિયાઈ વેપારમાં નવો ઈતિહાસ રચાયો છે. અબજોપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી પોર્ટ્સે વિશ્વની સૌથી મોટી શિપિંગ કંપની MSC સાથે હાથ મિલાવીને ભારતને ગ્લોબલ શિપિંગ હબ બનાવવાની દિશામાં મોટું કદમ ભર્યું છે. કેરળના વિઝિન્ઝમ પોર્ટમાં 49% હિસ્સો વેચવાની આ 11,600 કરોડની ડીલ ભારતીય પોર્ટ સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ છે.
અદાણીની સૌથી મોટી જાહેરાત, શું છે ડીલ?
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ કેરળના વિઝિન્ઝમ પોર્ટનો 49% હિસ્સો સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત વિશ્વની નંબર-1 કન્ટેનર શિપિંગ કંપની MSC ગ્રૂપની સહયોગી ‘ટર્મિનલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ’ (TiL)ને વેચવાનો કરાર કર્યો છે. આ ડીલ 1.397 અબજ ડોલર એટલે કે આશરે 11,600 કરોડથી વધુમાં થઈ છે. આ સોદા બાદ વિઝિન્ઝમ પોર્ટનું કુલ વેલ્યુએશન 2.85 અબજ ડોલર થયું છે.
ભારતીય પોર્ટ સેક્ટરમાં રેકોર્ડબ્રેક FDI
આ ડીલ ભારતીય પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી વિદેશી રોકાણ (FDI) છે. કરાર પછી પણ અદાણી પોર્ટ્સ પાસે 51% બહુમતી હિસ્સો અને બોર્ડનું નિયંત્રણ રહેશે. રોકાણ બે તબક્કામાં થશે: પહેલા તબક્કામાં TiL 539 મિલિયન ડોલર ચૂકવશે, અને બાકીના 858 મિલિયન ડોલર ડિસેમ્બર 2028 સુધીમાં પોર્ટના વિસ્તરણમાં રોકવામાં આવશે.
આ પણ વાંચો: શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?
18 મહિનામાં જ વિઝિન્ઝમે રચ્યો ઈતિહાસ
ડિસેમ્બર 2024માં શરૂ થયેલા ભારતના પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ ‘વિઝિન્ઝમ’એ માત્ર 18 મહિનામાં 20 લાખથી વધુ TEUs કન્ટેનર હેન્ડલ કરીને રેકોર્ડ બનાવ્યો છે. હાલ પોર્ટની ક્ષમતા 16 લાખ TEUs છે, જેને 2028 સુધીમાં 3.5 ગણી વધારીને 57 લાખ TEUs કરવાનું લક્ષ્ય છે.
સિંગાપોર-કોલંબોની જગ્યા લેશે ભારત
અદાણી પોર્ટ્સના CEO અશ્વની ગુપ્તાના જણાવ્યા મુજબ, આ વૈશ્વિક ભાગીદારીથી પોર્ટની સપ્લાય ચેઈન ક્ષમતા અનેકગણી વધશે. અત્યાર સુધી ભારત અને બાંગ્લાદેશનો કાર્ગો સિંગાપોર અને કોલંબો જેવા વિદેશી પોર્ટ પર નિર્ભર હતો, જે હવે સીધો વિઝિન્ઝમ પોર્ટ પર આવશે. આ ડીલથી વિઝિન્ઝમ હિંદ મહાસાગર ક્ષેત્રનું મજબૂત ગ્લોબલ હબ બનશે અને દેશના વેપાર-અર્થતંત્રને મોટો વેગ મળશે. અદાણી અને MSC વચ્ચે આ ત્રીજી ભાગીદારી છે, આ પહેલા બંને મુંદ્રા અને એન્નોર પોર્ટ પર સાથે કામ કરી રહ્યા છે.
