પિતા સુરત રહેવા જતાં રહેતા માતા કાકા સાથે રહેવા લાગી હતી, રોષે ભરાયેલા યુવાને મિત્ર સાથે મળી દુકાનમાં ઘૂસી કર્યો હીચકારો
શહેરના રેલનગરમાં લોન્ડ્રી ચલાવતા આધેડને તેના જ ભત્રીજાએ મિત્ર સાથે મળીને છરી ઝીંકી દીધી હતી. આરોપીની માતા કૌટુંબિક કાકા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા ગઈ હોવાની દાઝ રાખીને યુવાન પુત્રએ આ હીચકારો હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તબીબોના મતે તેની હાલત નાજુક છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલનગરની મહર્ષિ ટાઉનશીપમાં રહેતા અમિતભાઈ મૂળજીભાઈ ચુડાસમા (ઉં.વ. ૪૦) સોમવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં વેકરીયા ચોકમાં આવેલી પોતાની ‘સોમનાથ લોન્ડ્રી’ નામની દુકાને હાજર હતા. આ સમયે તેમનો ભત્રીજો હિમેશ વાઘેલા તેના મિત્ર કરમજીત ઉર્ફે પાજી સાથે ત્યાં ધસી આવ્યો હતો. દુકાનમાં આવતાની સાથે જ બંનેએ ઝઘડો શરૂ કર્યો હતો અને ઉશ્કેરાટમાં આવીને અમિત પર છરી વડે હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: નશાખોર શખ્સનો આતંક, પૈસા ન આપતા કારમાં તોડફોડ કરી યુવાનના પેટમાં છરી ઝીંકી
અમિતને ખભા, માથા અને કાનના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બનાવ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અમિતભાઈના માસિયાઈ ભાઈ હરેશભાઈ વાઘેલાના પત્ની ચંદ્રિકાબેન સાથે અમિતભાઈને મનમેળ થતાં છેલ્લા છએક મહિનાથી બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. અગાઉ હરેશભાઈ અને પત્ની ચંદ્રિકાબેન વચ્ચે અણબનાવ અને ઝઘડો થતાં હરેશભાઈ સુરત રહેવા જતા રહ્યા હતા.પતિ સુરત ગયા બાદ ચંદ્રિકાબેન તેમના બે પુત્ર અને એક પુત્રી સાથે ભાડે રહેતા હતા. દરમિયાન, છ મહિના પૂર્વે ચંદ્રિકાબેને અમિતભાઈ સાથે લિવ-ઈન કરાર કર્યો હતો અને પોતાની દીકરીને સાથે લઈ તેઓ અમિતભાઈ સાથે રહેવા જતા રહ્યા હતા.
પોતાની માતા કાકા (અમિતભાઈ) સાથે રહેવા ગઈ હોવાની વાત યુવાન પુત્ર હિમેશને જરાય પસંદ ન હતી. આ સંબંધ તેને સ્વીકાર્ય ન હોવાથી તે અવારનવાર કાકા અમિતભાઈ અને માતા સાથે આ બાબતે ઉગ્ર બોલાચાલી પણ કરતો હતો. આ જ બાબતની અદાવત રાખીને આજે બપોરે હિમેશે તેના મિત્ર પાજી સાથે મળી કાકાનો કાંટો કાઢી નાખવાના ઇરાદે છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.
