રાજકોટ નાગરિક બેન્કે મિલ્કતની વાસ્તવિક કિંમતથી ત્રણ ગણી લોન આપ્યાનો ધડાકો
રિઝર્વ બેન્કની કલીનચીટ મળ્યાનો પત્ર જાહેર કરવા નાગરીક બેંક બચાવો સંઘનો પડકાર
રાજકોટ : રાજકોટ નાગરિક બેન્કના થાપણદારોના હિતમાં નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરી બેન્કના જ પૂર્વ હોદેદારો અને કર્મચારીઓએ લડત શરૂ કરી છે ત્યારે સંઘના હોદેદાર બાલુભાઈ શેઠે સણસણતો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રાજકોટ નાગરીક બેંક સાથે 25 જેટલી લોન આપવામાં કરોડોની છેતરપીડી કરવામાં આવી છે અને મિલ્કતની ખરી કિંમતથી ત્રણ ગણી લોન આપવામાં આવી છે ત્યારે બેંકના શાસકો જવાબદારો સામે પગલા ભરે તેવી માંગ ઉઠાવી છે.
નાના માણસોની મોટી બેંક ગણાતી રાજકોટ નાગરીક બેંક દ્વારા મહારાષ્ટ્રની કાલબાદેવી શાખામાં 25 લોન આપવામાં બેંક સાથે છેતરપીંડી કરવામાં આવી છે. બેંક બચાવો સંઘ દ્વારા રૂપિયા કરોડના કૌભાડ અંગેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જો નાગરીક બેંક સતાધીશો આ બાબતે જવાબદારો સામે કાયદેસર પગલા ન ભરે તો દસ્તાવેજી પુરાવા સાથે વિગતવાર પર્દાફાશ કરવામાં આવશે જરૂર પડયે બેંક બચાવો સંઘ દ્વારા જ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ સંગઠનના કન્વીનર ચંદુભા પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા, અપના બજારના પૂર્વ ચેરમેન બાલુભાઈ શેઠ, યુવા અગ્રણી મનીષ ભટ્ટ દ્વારા નિવેદનમાં જણાવ્યું છે.
વધુમાં નાગરિક બેન્ક બચાવો સંઘે કરેલા પર્દાફાશમાં પ્રાથમીક માહિતી જાહેર કરી ત્યાં જ નાગરિક બેન્ક દ્વારા વિગતવાર સચોટ જવાબ આપવાને બદલે રીઝર્વ બેંકે નાગરીક બેંકને કલીનચીટ આપી હોવાનો ખોટો બચાવ કરવામાં આવેલ છે. રીઝર્વ બેંકે આ બાબતે બેંકને પ્રમાણપત્ર આપ્યું છે તે બેંકના શાસકો અધિકૃત રીતે જાહેર કરે તેવો અમારો ખુલ્લો પડકાર ફેંકી જણાવ્યું હતું કે, લોનના અરજદારની લોન પરત કરવાની આર્થિક ક્ષમતાના ધારાધોરણો લોન આપવામાં જાળવવામાં આવ્યા નથી મોટા ભાગના કિસ્સામાં લોન માટે બેંકમાં અરજદારે ગીરવે મુકેલ મીલ્કતની વાસ્તવીક કિંમત કરતા 3 ગણી કિંમત આંકવામાં આવી છે. લોન લેનાર લાભાર્થીના ખાતામાંથી લોન આપનાર અધીકારીના ખાતામાં અઢળક આર્થિક વ્યવહારો થયા હોવાનું બેંકના ઇન્વેસ્ટીગેશન રીપોર્ટમાં શોધી કાઢવામાં આવ્યું છે.
સાથે જ આ ગંભીર કૃત્યમાં બેંકના અધીકારી હેમાંગ ઢેબર તથા તેજસ મહેતાએ આપેલો અહેવાલ ખૂબ ગંભીર અને ચોંકાવનારો છે. જેમાં લોન આપવામાં નિતિનિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે જો બેંકના શાસકો સત્ય છૂપાવવા ન માંગતા હોય તો, તપાસનીસ અધીકારીઓના આ અહેવાલની નકલ મીડીયા સમક્ષ રજુ કરે તેવી અંતમાં માંગણી કરી રીઝર્વ બેંકના નામે કલીનચીટ મળ્યાનો દાવો કરતા બેંકના સતાધીશો બેંકને મળેલી કહેવાતી કલીનચીટનો સમગ્ર રીપોર્ટ જાહેર કરે તેવી અંતમાં માંગણી કરી હતી.