રાજકોટ બેઠકમાં સંવેદનશીલ મતદાન મથકોમાં વધારો
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ગત ચૂંટણીમાં ઓછા મતદાન થયું હોય તેવા મતદાન મથકો ઉપર નજર
રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક માટે આગામી તા.7મી મે ના રોજ યોજનાર મતદાનને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ભૂતકાળના અનુભવો ધ્યાને લઇ આગાઉના 800થી વધુ મતદાન મથકો સંવેદનશીલ હોવાનું સામે આવ્યા બાદ ક્ષત્રીય સમાજના આંદોલન સહિતના 7 પાસાઓને ધ્યાને લઇ તંત્ર દ્વારા 210 જેટલા સંવેદનશીલ મતદાન મથકો મળી રાજકોટ લોકસભા બેઠકમાં 1000થી વધુ મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
રાજ્યમાં ત્રીજા તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી અંતર્ગત રાજકોટ લોકસભા બેઠક માટે આગામી તા.7મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ભૂતકાળના અનુભવોને અને બનેલી ઘટનાઓને ધ્યાને લઈ રાજકોટ જિલ્લામાં 800 જેટલા મતદાન મથકોને સંવેદનશીલ ગણવામાં આવ્યા હતા જેમાં હાલમાં ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા નિર્માણ થયેલી સ્થિતિ તેમજ અન્ય સાત જેટલી બાબતોને ધ્યાને લઈ ચૂંટણીતંત્ર દ્વારા વધુ 210 જેટલા મતદાન મથકોને પણ સંવેદનશીલ યાદીમાં સામેલ કરતા રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 1000થી વધુ મતદાન મથકોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે.
જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના આંદોલન સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી ગત ચૂંટણીની સાપેક્ષમાં આ વખતે સંવેદનશીલ મથકોની સંખ્યામાં 210નો વધારો થવા પામેલ છે. સાથે જ, રાજકોટ લોકસભા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સ્થાનિક પોલીસ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે લોકસભા બેઠકની સાતેય વિધાનસભા બેઠકોમાં સિટી અને ગ્રામ્ય વિસ્તાર માટે 6-6 અર્ધલશ્કરી દળોની કંપનીઓની ડિમાન્ડ કરવામાં આવી હોવાનું પણ ચૂંટણીતંત્રે જણાવ્યું હતું.
