હવે બિલાવલ ભુટ્ટોને શૂરાતનનો આફરો, પાણી માટે પરમાણુ યુદ્ધની ગર્ભિત ધમકી
સિંધુ જળને પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડ્યું :આંતરરાષ્ટ્રીય મંચ પર મુદ્દો ઉછાળવાની કોશીષ
સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાના એક પછી એક નેતાઓ આક્રમક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ ચેતવણી આપી છે કે જો ભારત પાકિસ્તાનના પાણીના હક્કોને મર્યાદિત કરવાનો પ્રયાસ કરશે તો તેને માત્ર પર્યાવરણીય કે રાજદ્વારી વિવાદ નહીં, પરંતુ રાષ્ટ્રીય અસ્તિત્વ પરના હુમલા તરીકે જોવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે પાકિસ્તાનના પરમાણુ સિદ્ધાંતમાં જળમાર્ગો અથવા અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડવાના પ્રયાસને પરમાણુ પ્રતિસાદની સ્થિતિ તરીકે ગણવામાં આવ્યો છે.
1960માં થયેલી સિંધુ જળ સંધિને ભારતે ગયા વર્ષે પહલગામ આતંકવાદી હુમલા બાદ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી પાકિસ્તાન સતત આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત સામે અભિયાન ચલાવી રહ્યું છે. મંગળવારે પાકિસ્તાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનારમાં બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાનના જળસ્રોતો પર અંકુશ મૂકવાનો કોઈ પણ પ્રયાસ દેશના અસ્તિત્વ સામેનો પડકાર ગણાશે.
ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ સિદ્ધાંતમાં એવા અસાધારણ સંજોગોનો ઉલ્લેખ છે જેમાં દેશના અર્થતંત્રને ગૂંગળાવવાનો અથવા જળમાર્ગોને અવરોધવાનો પ્રયાસ થાય તો તે પરમાણુ પ્રતિસાદ સુધીની સ્થિતિ સર્જી શકે છે. તેમના શબ્દોમાં, જો પાકિસ્તાનનું પાણી રોકવાની સ્થિતિ “પરમાણુ પ્રલય” જેવી બને તો તેને માત્ર પર્યાવરણનો મુદ્દો નહીં પરંતુ સમગ્ર દેશ પરના હુમલા તરીકે જોવો પડશે અને તેના માટે વ્યાપક લશ્કરી પ્રતિસાદ આપવો પડશે.
આ પણ વાંચો: ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ સામે તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં
પાકિસ્તાને ‘ નો ફર્સ્ટ ‘ નીતિ નથી અપનાવી
ભુટ્ટોએ ધમકીના સૂરમાં કહ્યું કે પાકિસ્તાન પોતાના પાણી, લોકો, સંધિ, સાર્વભૌમત્વ અને ભવિષ્યની રક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારત અને પાકિસ્તાનની પરમાણુ નીતિ વચ્ચેનો તફાવત દર્શાવતા ભુટ્ટોએ પરોક્ષ રીતે યાદ અપાવ્યું કે ભારતની જેમ પાકિસ્તાન પાસે ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ નથી અને ગંભીર જોખમની સ્થિતિમાં પ્રથમ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાનો વિકલ્પ તેણે ખુલ્લો રાખ્યો છે.
કોઈ પણ સંજોગોમાં ‘પાણી હક્ક’નું રક્ષણ કરવાની શેખી
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે સિંધુ નદી પાકિસ્તાન માટે માત્ર નદી નહીં પરંતુ દેશની જીવનરેખા છે. ભારત તેને દબાણનું સાધન કે સોદાબાજીનું હથિયાર બનાવી શકે નહીં. તેમણે દાવો કર્યો કે જો કોઈને લાગે છે કે પાકિસ્તાન પોતાના જળ અધિકારો છોડી દેશે તો તે પાકિસ્તાનની જનતાની ભાવનાઓને ઓળખતું નથી. સિંધ, પંજાબ, બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પોતાના પાણીના હક્કોની રક્ષા માટે એકજૂટ છે. સિંધુના પાણી પર કોઈ પણ પ્રકારનો અંકુશ પાકિસ્તાનના અસ્તિત્વ સામેનો ખતરો ગણાશે અને તેનો દરેક સ્તરે જવાબ આપવામાં આવશે.
