ન્યાયતંત્રના અન્યાયનો આઘાતજનક કિસ્સો : ચાર ચાર અદાલતો ની ગંભીર ભૂલોને કારણે એક માણસ 25 વર્ષ જેલમાં રહ્યો
14 વર્ષની વયે હત્યા કરનારને અંતે 25 વર્ષ બાદ અદાલતે બાળ ગુનેગાર માન્યો
ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી બધા અન્યાયના ભાગીદાર: ખુદ સર્વોચ્ચ અદાલતની કબુલાત
હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા પામેલો શખ્સ ગુનો કર્યો ત્યારે 14 વર્ષની ઉમરનો હતો એ તથ્ય સર્વોચ્ય અદાલતે છેક 25 વર્ષ બાદ સ્વીકારી તેને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યોહતો. એ બાળ ગુનેગારે તેની ઉમર 14 વર્ષની હોવા અંગે આપેલા દસ્તાવેજોની અવગણના કરી ટ્રાયલ કોર્ટ, હાઈ કોર્ટ અને ત્યાં સુધી કે સર્વોચ્ય અદાલતે પણ અન્યાય કર્યો હતો.એક પછી એક અદાલતો ભૂલો કરતી જ રહી. અંતે લાંબા કાનૂની જંગમાં ફરી એક વખત મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને જસ્ટિસ એમ.એચ. સુંદરમ્ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેંચે તેને જેલમુક્ત કરવાનો ચુકાદો આપી અરજદારના સમાજમાં પુનઃસ્થાપન માટે અસરકારક પગલાં લેવા ઉત્તરાખંડ સરકારને આદેશ કર્યો હતો.
સર્વોચ્ય અદાલતે માન્યું કે ટ્રાયલ કોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની અદાલતો એ કરેલી ભૂલને કારણે કોઈ પણ વાંક ન હોવા છતાં અરજદારને ભોગવવું પડ્યું હતું અને તેના જીવનના અમૂલ્ય 25 વર્ષ જેલમાં વેડફાઈ ગયા હતા.
ન્યાયતંત્ર પણ કેવી ભૂલો કરે છે તેનું આઘાતજનક ઉદાહરણ આપતી આ ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2001માં હત્યાના ગુના બદલ એક આરોપીને દોષિત માની ટ્રાયલ કોર્ટે તેને ફાંસીની સજા ફરમાવી હતી આરોપીએ ગુના સમયે તેની ઉમર 14 વર્ષની હોવાનો દાવો કરી પુરાવા તરીકે બેંક એકાઉન્ટની વિગતો રજૂ કરી હતી પણ ટ્રાયલ કોર્ટે એ અરજ ફગાવી દીધી હતી.
તે પછી અરજદારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે હાઇકોર્ટ માં દાદ માંગી હતી.હાઇકોર્ટે પણ અરજદારના દાવાને નકારી સજા કાયમ રાખી હતી.
બાદમાં અરજદાર સર્વોચ્ય અદાલતના શરણે ગયો હતો પણ સર્વોચ્ય અદાલતે પણ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ ના
ચુકાદાઓને યોગ્ય ગણાવી ફાંસીની સજાનો હુકમ યથાવત રાખ્યો હતો. સર્વોચ્ય અદાલતે તો તેના એ ચુકાદા સામે અરજદારે કરેલી પુનઃસમીક્ષાની અને ક્યુરેટિવ અરજી પણ ફગાવી દીધી હતી.સતત અન્યાયનો ભોગ બન્યા બાદ લાંબા,ખર્ચાળ અને થકાવી દેનાર અઢી દાયકાના આ કાનૂની જંગ બાદ અંતે 25 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેને ન્યાય મળ્યો હતો.

ગવર્નર અને રાષ્ટ્પતિએ પણ કાચું કાપ્યું મેડિકલ બોર્ડનું પ્રમાણપત્ર પણ અવગણ્યું
સર્વોચ્ચ અદાલતે ફાંસીની સજા કાયમ રાખ્યા બાદ અરજદારે ગવર્નર સમક્ષ દયાની અરજી કરી હતી
જે ગવર્નરે ફગાવી દીધી હતી. બાદમાં તેણે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજ કરી હતી. 2012માં રાષ્ટ્રપતિએ
મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં પલટાવી હતી પણ સાથે જ અરજદાર ની ઉંમર 60 વર્ષની ન થાય ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં જેલ મુક્ત ન કરવાની શરત રાખી હતી. જોવાની ખૂબી એ છે કે દયાની અરજી પેન્ડિંગ હતી તે દરમિયાન મેડિકલ બોર્ડ દ્વારા અરજદારની ઉંમર નક્કી કરવા માટે ઓસિફીકેશન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તબીબોએ પણ ગુનાના સમયે તેની ઉંમર 14 વર્ષની આસપાસ હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું.રાષ્ટ્રપતિના એ ચુકાદાને પડકારતી અરજી વધુ એક વખત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં ફરી એક વખત મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એક અભણ બાળકની માતા એક સમાજ સેવકની મદદથી અડગ રહીને કાનૂની જંગ ખેલતી રહી અને અંતે તેના પુત્રને છોડાવવામાં સફળ રહી.
એક પણ અદાલતે સત્ય શોધવાની દરકાર ન લીધી: સુપ્રીમ કોર્ટની ધારદાર ટિપ્પણી
જસ્ટિસ સુંદરમ્ અને અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું કેટ્રાયલ કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની અદાલતોએ
કરેલી ભૂલોને કારણે એક માણસ અન્યાયનો ભોગ બન્યો છે. સમાજમાં પુનઃસ્થાપિત થવાની તેણે તક ગુમાવી દીધી છે. તેની કોઈ પણ ભૂલ ન હોવા છતાં તેની જિંદગીના 25 અમૂલ્ય વર્ષ વેડફાઈ ગયા છે અનેતે સમય પરત લાવી શકાશે નહીં. અદાલતે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે દરેક તબક્કે અદાલતો તેમની સમક્ષ રજૂ થયેલા દસ્તાવેજની અવગણના કરીને અથવા તો ઉપર છલ્લી તપાસ કરીને ભૂલો કરતી રહી.
જસ્ટિસ સુંદરમે કહ્યું કે દરેક અદાલતનું એકમાત્ર લક્ષ્ય સત્ય શોધવાનું હોવું જોઈએ. અદાલતો સત્યનું સર્ચ એન્જિન છે. બાળ ગુનેગારના કેસમાં અદાલતો ની ભૂમિકા અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે એવા કિસ્સામાં અદાલતોની ભૂમિકા એવા માવતર જેવી હોવી જોઈએ જે પોતાના વિચલિત બાળકને ગુનેગાર નહીં પણ પીડિત માનતા હોય. બાળ અદાલતોની ભૂમિકા મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપતી સંસ્થાઓ જેવી હોવી જોઈએ. તેમણે અદાલત તરીકે ફરજ બજાવે છે તે ભૂલી જવું જોઈએ અને વિચલિત બાળ ગુનેગારના હૃદય પરિવર્તન તેમજ સમાજમાં પુનઃસ્થાપન માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
ન્યાયની કસુવાવડના આ કિસ્સાઓ પણ વાંચો
ભારતની ન્યાયિક પ્રક્રિયાની પંગુતા ઉજાગર કરતી આઘાતજનક ઘટનાઓની યાદી ખૂબ મોટી છે.કાયદાઓના અર્થઘટન અને વિલંબિત ન્યાય પ્રક્રિયાને કારણે લોકો બરબાદ થઈ ગયા હોય અને અમૂલ્ય જિંદગીઓ જેલમાં સબડતી રહીં હોય તેવા નીચે દર્શાવેલા કિસ્સાઓ આપણી ન્યાયપ્રક્રિયાની પંગુતાને ઉજાગર કરે છે.1996માં થયેલા એક બ્લાસ્ટ કેસમાં પોલીસે છ આરોપીને ફીટ કરી દીધા હતા.23 વર્ષ સુધી તે બધાને જેલમાં ગોંધી રખાયા. અને અંતે રાજસ્થાન હાઇકોર્ટે એ બધાને નિર્દોષ જાહેર કરી જેલમુક્તિ નો આદેશ કર્યો. ઉતર પ્રદેશમાં ગત વર્ષે એક વ્યક્તિ ઉપર વિજચોરીના નવ કેસ થયા હતા.યુપીની નીચલી અદાલતે તેને દરેક કેસમાં બે બે વર્ષની સજા ફરમાવી હતી અને દરેક સજા અલગ અલગ ભોગવવાનો એટલે કે કુલ 18 વર્ષનો જેલવાસ ભોગવવાનો આદેશ કર્યો હતો.બાદમાં અલ્હાબાદ હાઇકોર્ટે પણ એ ચુકાદા ઉપર મંજૂરીની મહોર મારી હતી. બાદમાં સર્વોચ્ચ અદાલતે યુપીની અદાલતોના આ ચુકાદાને ન્યાયના મિસકેરેજ સમાન ગણાવી આઘાત વ્યક્ત કર્યો હતો. વીજ ચોરીના ગુનામાં છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં એ માણસ ખરપાઈ ગયો.
ન્યાય મેળવવા 55 વર્ષ લડ્યા અને અંતે 108 વર્ષની વયે ગુજરી ગયા
મુંબઈના સોપાન નરસિંગ ગાયકવાડ નામના એક માણસનો 1968 થી જમીન અંગેનો કેસ ચાલતો હતો.તે સંદર્ભે તેમણે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ કરી તેના એક દિવસ પૂર્વે જ તેમનું અવસાન થયું.મૃતકની ઉમર હતી 108 વર્ષ.અને આ કાનૂની જંગની શરુઆત થઈ હતી 1968માં.અર્થાત્ છેલ્લા 55 વર્ષથી તેઓ ન્યાય માટે લડતા હતા.’કોઈ તો મારી વાત સાંભળો,કોઈ તો મને ન્યાય આપવો’ એવી દયામણી યાચના એ વૃદ્ધ કરતા રહ્યા અને અંતે તેમનું મૃત્યુ થઈ ગયું પણ ન્યાય ન મળ્યો તે ન જ મળ્યો.કેટલાક ક્લાસિક કિસ્સાઓ જોઈએ
હળદરમાંથી મળેલા ચાર કીડા અંગે 38 વર્ષ સુધી ચાલ્યો કાનૂની જંગ
1982માં પ્રેમચંદ નામના કરીયાણાના એક વેપારીની દુકાનમાં હળદરમાંથી ચાર જીવતા કીડા અને બે ધનેરા મળતાં તેમની સામે કેસ થયો.12 વર્ષ પછી 1995માં અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યો. પણ સરકાર હાઇકોર્ટમાં ગઈ.14 વર્ષ પછી 2009માં હાઇકોર્ટે તેમને ગુનેગાર માની સજા ફરમાવી. અને તેના 11 વર્ષ પછી 2020માં સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ ઠરાવ્યા. ચાર કીડા અને બે ધનેરા ના કેસમાં પ્રેમચંદે તેમની જિંદગીના કુલ 38 વર્ષ અદાલતના ચક્કરમાં વિતાવ્યા. આ કાનૂની જંગમાં તેમને કેટલો ખર્ચ થયો હશે,કેટલા માનવ કલાકોનો વ્યય થયો હશે,તેમણે કેટલી માનસિક અને શારીરિક યાતના ભોગવવી પડી હશે અને સરકાર તથા વિવિધ અદાલતેને ચાર કીડા અને બે ધનેરાનો કેટલો વહીવટી ખર્ચ થયો હશે એ હિસાબ કોઈએ માંડ્યો હશે કે કેમ એ ખબર નથી.
કેસ ચાલ્યો જ નહીં,અંતે 40 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ નિર્દોષ છુટકારો
1981માં દાર્જિલિંગ માં થયેલી એક હત્યાના કેસમાં દિપક જયસિંહ નામના નેપાળી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. 40 વર્ષ બાદ કલકતા હાઇકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો.એક નિર્દોષ માણસે વગર વાંકે તેની જિંદગીના 40 વર્ષ જેલમાં કાઢવા પડ્યા.એ છૂટી તો ગયો પણ હવે તેની જિંદગીમાં શુ બાકી રહ્યું હશે?નિર્દોષ છૂટ્યા બાદ હવે એ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે?વેડફાઈ ગયેલા 40 વર્ષ કોઈ પાછા લાવી શકસે?નિર્દોષ છૂટવા માટે તેને 40 વર્ષ લાગ્યા કારણકે કેસ ચાલતો જ નહોતો.
બે દાયકા સુધી બળાત્કારી હોવાનું કલંક લઈને જીવ્યા બાદ નિર્દોષ જાહેર
વિષ્ણુ તિવારી નામના દુષ્કર્મના આરોપીને અલ્હાબાદ હાઇકોર્ટે 20 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યો.વિષ્ણુ ઉપર બે દાયકા સુધી બળાત્કારીનું કલંક લાગેલું રહ્યું. એના પરિવારજનો સામાજિક નિંદાનો ભોગ બનતા રહ્યા.નિર્દોષ વિષ્ણુ 20 વર્ષ જેલમાં રહ્યો.એ જેલ મુક્ત તો થયો પરંતુ સમાજમાં તેનું સન્માન જનક પુનઃસ્થાપન કદી થઈ શક્યું નહીં.