અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલ પર નીહાંગ શીખ દ્વારા કિરપાણથી હુમલો
હાથમાં ઇજા, પત્ની પણ સાથે હતા, હુમલાખોર ઝબ્બે
શિરોમણી અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંઘ બાદલ પર મહારાષ્ટ્રમાં નાંદેડ ખાતે આવેલા ગુરુદ્વારામાં એક નીહાંગ શીખે કિરપાણ વડે હુમલો કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ હુમલામાં બાદલને હાથમાં ઇજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ ભયમુક્ત હોવાનું જાહેર થયું છે. હુમલા સમયે બચાવ માટે વચ્ચે પડનાર એક સિક્યોરિટી ઓફિસર પણ ઘાયલ થયા હતા. બનાવ સમયે બાદલ સાથે તેમના પત્ની અને સાંસદ હરસિમરત કૌર પણ સાથે હતા.
નાંદેડ સ્થિત તખ્ત શ્રી હજુર સાહિબ ગુરુદ્વારામાં ગુરુવારે સવારે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સુખબીર સિંઘ બાદલ પરિવાર સાથે દર્શન કરીને ગુરુદ્વારાની સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક એક નીહાંગ શીખે કિરપાણ સાથે તેમના પર હુમલો કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક દરમિયાનગીરી કરતાં હુમલાખોર પોતાના ઇરાદામાં સફળ થઈ શક્યો નહોતો. હુમલાખોરને ઘટનાસ્થળેથી જ કાબૂમાં લઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં અલ કાયદાનો હાથ
ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાંદેડના પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. તેમણે હુમલાનું કારણ શોધવા અને સમગ્ર મામલે વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુખબીર બાદલને ઊંચા સ્તરની ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી હોવા છતાં ધાર્મિક સ્થળે થયેલા આ હુમલાએ સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
પેટમાં જીવલેણ ઘા કરવાનો ઇરાદો હતો
પ્રાપ્ત વિગતો મુજબ હુમલાખોરની ઓળખ જસપાલ સિંઘ તરીકે થઈ છે. તે છેલ્લા બે વર્ષથી ગુરુદ્વારામાં સેવા આપી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે સુખબીર બાદલના પેટના ભાગમાં ઘા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ સુરક્ષાકર્મીઓએ હુમલો નિષ્ફળ બનાવી દીધો હતો. આ ધક્કામુક્કીમાં બાદલના જમણા હાથમાં ઇજા પહોંચી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમના હાથમાં ટાંકા લીધા હોવાનું જણાવાયું છે.
2024માં પણ બાલબાલ બચ્યા હતા
ડિસેમ્બર 2024માં પણ સુખબીર સિંઘ બાદલ પર અમૃતસરના સુવર્ણ મંદિર બહાર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. તે સમયે અકાલ તખ્ત દ્વારા જાહેર કરાયેલી ધાર્મિક સજાના ભાગરૂપે તેઓ સેવાદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક શખ્સે તેમના પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓ અને હાજર લોકોએ હુમલાખોરને તરત જ કાબૂમાં લઈ લીધો હતો. તે ઘટનામાં બાદલને કોઈ ઇજા પહોંચી નહોતી. હવે લગભગ દોઢ વર્ષ બાદ ફરી એકવાર તેમના પર હુમલો થતા તેમની સુરક્ષાને લઈને ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે.
