IndusInd બેંકના CEO રાજીવ આનંદનું નામ પણ મતદાર યાદીમાંથી ‘અનમેપ્ડ’ જાહેર
સુનાવણીમાં હાજર રહેવાની નોટિસ મળતાં અકળાયા
“વર્ષોથી દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે, પાસપોર્ટ, પાન, આધાર અને મતદાર ઓળખપત્ર હોવા છતાં ફરી ઓળખ સાબિત શા માટે કરું?” રાજીવ આનંદ
IndusInd બેંકના એમડી અને સીઈઓ રાજીવ આનંદનું નામ મતદાર યાદીમાં “અનમેપ્ડ” તરીકે દર્શાવવામાં આવ્યું છે અને જો તેઓ સુનાવણીમાં હાજર નહીં રહે તો તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવી શકે છે એવી નોટિસ પાઠવવામાં આવી છે. આ મુદ્દે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ વર્ષોથી દરેક ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે અને તેમની પાસે ઓળખ સાબિત કરતા તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં ફરીથી પોતાની ઓળખ સાબિત કરવાની ફરજ શા માટે પડી રહી છે તે સમજાતું નથી. રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં રાજીવ આનંદે જણાવ્યું કે તેમને જાણ કરવામાં આવી છે કે તેમનું નામ મતદાર યાદીમાં “અનમેપ્ડ” તરીકે નોંધાયું છે. તેમણે લખ્યું કે, “હું મતદાન માટે પાત્ર બન્યો ત્યારથી અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કરતો આવ્યો છું. મારી પાસે પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડ છે. હવે મને કહેવામાં આવી રહ્યું છે કે સુનાવણીમાં હાજર રહો, નહીં તો નામ કાપી નાખવામાં આવશે. હું આવું શા માટે કરું?”
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન અંતર્ગત મતદાર યાદીઓનું વ્યાપક પુનરીક્ષણ કરી રહ્યું છે. આ દરમિયાન કેટલાક મતદારોને “અનમેપ્ડ” અથવા અન્ય તર્કસંગત વિસંગતિઓના આધારે નોટિસો પણ મોકલવામાં આવી છે. મતદારોને સરળતા રહે તે માટે ચૂંટણી પંચે તાજેતરમાં અનેક રાહતભર્યા નિર્ણયો જાહેર કર્યા છે. દિલ્હીમાં દાવા અને વાંધા રજૂ કરવાની મુદત 30 ઓક્ટોબર સુધી અને મહારાષ્ટ્રમાં 12 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે
ઓળખ પ્રણાલી અંગે ઉઠાવ્યા સવાલો
આનંદે બીજી પોસ્ટમાં દેશની ઓળખ પ્રણાલીઓ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીયો પાસે પોતાની ઓળખ સાબિત કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટ જેવા અનેક દસ્તાવેજો છે, છતાં ફરીથી ઓળખ અંગે પ્રશ્નો ઊભા થવા આશ્ચર્યજનક છે. તેમની ટિપ્પણી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન સામાન્ય મતદારોને પડી રહેલી મુશ્કેલીઓ અંગેની ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
આ પણ વાંચો: પિસ્ટલ શૂટિંગમાં શૂટર ઈશા સિંહ અંતિમ ક્ષણે ચૂકી ગોલ્ડ મેડલ: ચીની ખેલાડી પડી ભારે
પરિવારનો કોઈ પણ સભ્ય નોટિસના જવાબમાં હાજર રહી શકે : ચૂંટણી પંચ
ચાલુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન દરમિયાન “અનમેપ્ડ” અથવા અન્ય વિસંગતિઓના આધારે નોટિસ મેળવનારા મતદારોને રાહત આપતાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે આવા કિસ્સાઓમાં બૂથ લેવલ ઓફિસર (BLO) સંબંધિત મતદારના ઘરે જઈ જરૂરી દસ્તાવેજો એકત્ર કરશે અને તેને ECINet પોર્ટલ પર અપલોડ કરશે. સામાન્ય રીતે આવા મતદારોને ERO અથવા AERO કચેરીમાં સુનાવણી માટે બોલાવવાની જરૂર નહીં રહે. માત્ર અપવાદરૂપ સંજોગોમાં જ સુનાવણી યોજાશે અને તે પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન રાખવામાં આવશે. ચૂંટણી પંચે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જરૂર પડે તો મતદાર પોતાના વતી સુનાવણીમાં હાજર રહેવા માટે પરિવારના કોઈપણ પુખ્ત સભ્યને અધિકૃત કરી શકે છે. ઓનલાઈન સુનાવણીની સુવિધાઓને પણ વધુ મજબૂત બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
