ઈરાન પર મહા ભયાનક હુમલો કરવાનો ટ્રમ્પનો સેનાને આદેશ
ઉર્જા મથકો અને રિફાઇનરીઓને નિશાન બનાવી બધુ જ તબાહ કરવાનો પ્લાન
અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન અને દુશ્મની સતત વધી રહ્યા છે અને યુદ્ધ સતત વકરતું જ જઇ રહ્યું છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા સેનાને આ સપ્તાહાંત સુધીમાં ઈરાન પર નવો હુમલો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, આ પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહીનો મુખ્ય હેતુ તેહરાનને ઘૂંટણ ટેકવવા મજબૂર કરવાનો છે. ગમેતેમ કરીને ટ્રમ્પ ઇરાનને વાતચીતના ટેબલ પર લાવવા માંગે છે. આ વખતનો હુમલો સૌથી ભયાનક હશે તેવી ધમકી પણ આપી છે.
આ ઘટનાક્રમ ટ્રમ્પના એ નિવેદનો પછી સામે આવ્યો છે. જેમાં તેમણે તેહરાન સાથે ચાલી રહેલી કૂટનીતિક વાતચીતને લઈને અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર થયેલા હુમલા બાદ ભારે સૈન્ય જવાબી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: આપણા લોકો દેશમાં ગંદકી ફેલાવે અને વિદેશમાં નિયમોનું પાલન કરે છે!!!
શુક્રવારે મેરીલેન્ડમાં કેમ્પ ડેવિડ ખાતે કેબિનેટની બેઠક દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, “આપણે ઇરાન પર ખૂબ જોરદાર હુમલો કરીશું.” બીજી તરફ સીબીએસના રિપોર્ટ અનુસાર, વોશિંગ્ટન ઈરાનના ઊર્જા કેન્દ્રો જેમ કે પાવર પ્લાન્ટ્સ અને પેટ્રોલિયમ રિફાઇનરીઓ પર સંભવિત હુમલાઓ અંગે વિચારણા કરી રહ્યું છે.
માનવાધિકારની ભલામણ કરતી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે સામાન્ય નાગરિકોના ઉપયોગ વાળી સુવિધાઓને જાણી જોઈને નિશાન બનાવવું એ યુદ્ધ અપરાધ બની શકે છે. આ રિપોર્ટ્સ સામે આવ્યા બાદ શુક્રવારે બપોરે ટ્રેડિંગમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઈલની કિંમતો 86 ડૉલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગઈ છે.
