અમદાવાદ હેરિટેજ સિટીને મળશે નવો લૂક! કોટ વિસ્તારનાં મકાનો હવે માત્ર સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઈટ બ્રાઉન રંગમાં જ રંગાશે
ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને હવે એકસરખો ઐતિહાસિક લૂક મળશે. AMCએ કોટ વિસ્તાર અને તેની આસપાસના 200 મીટરના બફર ઝોન માટે નવી રંગ નીતિ લાગુ કરી છે. હવે આ વિસ્તારમાં બનતા તમામ નવા સરકારી અને ખાનગી મકાનોને માત્ર લાઈટ સ્કાય બ્લૂ, ક્રીમ અને લાઈટ બ્રાઉન – આ ત્રણ જ રંગમાં રંગવાની મંજૂરી મળશે. હેરિટેજનું સૌંદર્ય જાળવવા સાથે હવે આ ઝોનમાં કોઈપણ નવા પ્રોજેક્ટ માટે ‘હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ એટલે કે HIA પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
કયા વિસ્તારમાં લાગુ થશે નવો નિયમ?
આ નીતિ અમદાવાદના 6 ચોરસ કિમીના કોટ વિસ્તાર અને તેની આસપાસના 200 મીટરના બફર ઝોનમાં લાગુ પડશે. આ વિસ્તારમાં હવે બને તેવા તમામ નવા બાંધકામોને આ ત્રણ રંગમાંથી જ પસંદગી કરવાની રહેશે.
જોકે હેરિટેજ પ્રકારના મકાનોના મુખ્ય આગળના ભાગ સિવાયની કોતરણી અને ડિટેલિંગ માટે અન્ય રંગોનો ઉપયોગ કરી શકાશે.
યુનેસ્કોની મુલાકાત બાદ AMCનો નિર્ણય
ગત માર્ચમાં યુનેસ્કોની 2 સભ્યોની ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી. ટીમે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ, દાણાપીઠ મલ્ટિલેવલ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનસ જેવા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે હેરિટેજ પર આ પ્રોજેક્ટ્સની અસરનું મૂલ્યાંકન કર્યું. આ ત્રણેય પ્રોજેક્ટમાં પણ હવે આ જ ત્રણ મંજૂર રંગોનો ઉપયોગ થવાની શક્યતા છે. યુનેસ્કોની ટીમ ટૂંક સમયમાં તેનો વિગતવાર અહેવાલ રજૂ કરશે.
આ પણ વાંચો: E20 પેટ્રોલને બદલે E85 ફ્યુઅલથી થશે કરોડોની બચત, માઇલેજની ચિંતાને ‘અફવા’ ગણાવી
HIA ફરજિયાત, 100+ આર્કિટેક્ટ્સની નોંધણી
હવે કોટ અને બફર ઝોનમાં આવતા તમામ નવા સરકારી અને ખાનગી વિકાસ પ્રોજેક્ટ માટે હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ – HIA ફરજિયાત બનાવાયું છે. એટલે કે કોઈપણ નવું બાંધકામ હેરિટેજને નુકસાન ન કરે તેની તપાસ કર્યા બાદ જ મંજૂરી મળશે.
આ માટે AMCએ 100થી વધુ આર્કિટેક્ટ્સની નોંધણી કરી છે. સાથે જ નવી ઇમારતો માટે ‘અર્બન ડિઝાઇન ગાઇડલાઇન’, ‘ડિઝાઇન ટૂલકિટ’ અને ‘HIA પોલિસી’ પણ અમલમાં મૂકી છે. નોન-હેરિટેજ ઇમારતોની HIA અરજી ઝડપથી નિકાલ થાય તે માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અન્ય મહત્ત્વના નિર્ણયો
1. પોળના દરવાજાનું સંરક્ષણ: પોળના ઐતિહાસિક દરવાજાઓના જતન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર – SOP તૈયાર કરવામાં આવી છે.
2. નવી સંસ્થા: દેશભરના ઐતિહાસિક અને હેરિટેજ સ્મારકોના સંરક્ષણ માટે વિશેષ સંસ્થાની સ્થાપનાનો પ્રસ્તાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે.
આંકડામાં અમદાવાદનું હેરિટેજ
– 8 જુલાઈ 2017ના રોજ યુનેસ્કોએ અમદાવાદને ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપ્યો હતો.
– શહેરમાં હાલ 2,692 નોંધાયેલી હેરિટેજ મિલકતો છે.
– કોટ વિસ્તાર બહાર વધુ 382 સંભવિત હેરિટેજ મિલકતો છે.
– હેરિટેજ TDR યોજના હેઠળ અત્યાર સુધી 145 મિલકતોનું 17,519 ચોરસ મીટરમાં સંરક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.
AMCનો ઉદ્દેશ્ય કોટ વિસ્તારની ઓળખ અને દૃશ્યસૌંદર્યને જાળવી રાખવાનો છે. હવે અમદાવાદના જૂના શહેરમાં પ્રવેશતાની સાથે જ તમને એકસરખા, શાંત અને હેરિટેજ વાઈબ આપતા રંગો જોવા મળશે.
