E20 પેટ્રોલને બદલે E85 ફ્યુઅલથી થશે કરોડોની બચત, માઇલેજની ચિંતાને ‘અફવા’ ગણાવી
દેશમાં E20 પેટ્રોલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આગામી ઇંધણ E85 અંગે મોટો સંકેત આપ્યો છે. મંત્રીએ કહ્યું કે 85% ઇથેનોલ મિશ્રિત E85 ફ્યુઅલ E20 કરતાં રૂ.20 સસ્તું મળશે. એટલે કે તેનો ભાવ લગભગ રૂ.80થી રૂ.85 પ્રતિ લિટર રહેવાનો અંદાજ છે. જોકે આ ઇંધણ ફક્ત ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ એન્જિનવાળા વાહનોમાં જ વાપરી શકાશે. સરકારનો દાવો છે કે ઇથેનોલ મિશ્રણથી અત્યાર સુધીમાં રૂ.309.98 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાત બચી છે અને પ્રદૂષણ પણ ઘટ્યું છે.
E85 કેટલું સસ્તું પડશે?
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો લાંબા ગાળાનો ટાર્ગેટ E85 ફ્યુઅલને પ્રોત્સાહન આપવાનો છે. E20 પેટ્રોલની સરખામણીમાં E85 લગભગ રૂ.20 પ્રતિ લિટર સસ્તું રહેશે. એટલે કે બજારમાં તે અંદાજે રૂ.80-85 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ થશે. હાલમાં આ ફ્યુઅલ ખૂબ જ સીમિત જગ્યાએ મળે છે, પરંતુ ટૂંક સમયમાં તેને વ્યાપક રીતે લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
કોણ વાપરી શકશે E85? ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન જરૂરી
સૌથી મહત્ત્વની વાત એ છે કે E85 ફક્ત એવા જ વાહનોમાં ચાલશે જેનું એન્જિન ‘ફ્લેક્સ-ફ્યુઅલ કોમ્પેટિબલ’ હોય. સામાન્ય BS6 એન્જિનમાં E85 નાખવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. ઓટો કંપનીઓએ હવે આ પ્રકારના નવા વાહનો બનાવવા પડશે. સરકારે સસ્તા ભાવની જાહેરાત કરીને ગ્રાહકોને Flex-Fuel ગાડી ખરીદવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ઇથેનોલ બ્લેન્ડિંગથી દેશને ફાયદો: આંકડા
મંત્રીએ ઇથેનોલ પોલિસીના ફાયદા પણ ગણાવ્યા:
– આર્થિક બચત: અત્યાર સુધીમાં 309.98 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાત ઓછી થઈ છે. આનાથી દેશના વિદેશી મુદ્રા ભંડારની મોટી બચત થઈ છે.
– પર્યાવરણ: E20 ફ્યુઅલના કારણે વાતાવરણમાં 931.502 લાખ મેટ્રિક ટન CO2નું ઉત્સર્જન ઓછું થયું છે.
મારુતિ-સુઝુકીનો રિપોર્ટ: એન્જિન ડેમેજની અફવા ફગાવી
સોશિયલ મીડિયા પર E20થી એન્જિન બગડવાની ફરિયાદો વચ્ચે મંત્રીએ સત્તાવાર આંકડા આપ્યા. તેમણે કહ્યું કે મારુતિ-સુઝુકીએ અત્યાર સુધી 1.5 કરોડ વાહનોનું સર્વિસિંગ કર્યું છે, પરંતુ એક પણ કેસમાં ઇથેનોલના કારણે એન્જિન ડેમેજ થયું હોવાનો રિપોર્ટ નથી.
અગાઉ કેટલીક વીમા કંપનીઓએ કવર ન આપવાની વાત કરી હતી, પરંતુ સરકારે તે વિવાદ પણ ઉકેલી દીધો છે. મંત્રીના મતે ઇથેનોલથી બહેતર ઓક્ટેન અને એક્સેલરેશન મળે છે, જેથી એન્જિન સુરક્ષિત રહે છે.
વાહનચાલકોની નારાજગી
બીજી તરફ E20 લાગુ થયા બાદ વાહનચાલકો સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણાની ફરિયાદ છે કે E20ના કારણે ગાડીની માઇલેજ 10-15% સુધી ઘટી ગઈ છે. કેટલાકે નવી ગાડીના એન્જિન બેસી ગયાના આક્ષેપ પણ કર્યા છે. જોકે સરકારે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. સરકારનું માનવું છે કે લાંબા ગાળે ઇથેનોલ બ્લેન્ડિંગથી દેશ આત્મનિર્ભર બનશે અને પેટ્રોલના ભાવ પણ કાબૂમાં રહેશે.
