બદલાતી ઋતુમાં લાંબા સમય સુધી રહેતી કફ-ઉધરસને સામાન્ય ન ગણશો
-એક મહિના કરતાં વધુ ચાલતી ઉધરસ ગંભીર રોગનો સંકેત હોઈ શકે
બદલાતી ઋતુ સાથે શરદી, કફ અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓ થી ઘણા એવા દર્દીઓ તપાસ માટે આવે છે, જેમને માત્ર પાંચ-દસ દિવસ નહીં પરંતુ એક મહિના, બે મહિના, કે તેથી પણ વધુ સમયથી સતત કફ અને ઉધરસની તકલીફ રહે છે. ઘણા દર્દીઓએ અનેક પ્રકારની દવાઓ લીધી હોવા છતાં રાહત મળતી નથી. કેટલાક દર્દીઓના બ્લડ રિપોર્ટ, એક્સ-રે અથવા અન્ય પ્રાથમિક તપાસ પણ સામાન્ય આવે છે, છતાં ઉધરસ ચાલુ રહે છે.
હકીકતમાં, લાંબા સમય સુધી ચાલતી ઉધરસ એ અનેક બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે. વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ, ઋતુજન્ય એલર્જી, સાઇનસની તકલીફ, નાકમાં મસા, પોસ્ટ-નેઝલ ડ્રિપ, દમ (ખાસ કરીને Cough Variant Asthma), કાયમી એસિડિટી અથવા Acid Reflux (GERD), કેટલીક દવાઓની આડઅસર, ધૂળ-ધુમાડો, વધતું વાયુ પ્રદૂષણ અને ધુમ્રપાન તેના મુખ્ય કારણોમાં સામેલ છે.
તાજેતરના સમયમાં Post Viral Inflammation પણ લાંબી ઉધરસનું મહત્વનું કારણ બની રહ્યું છે. શરદી, ફ્લૂ અથવા અન્ય શ્વસન ચેપ મટી ગયા પછી પણ શ્વાસનળી લાંબા સમય સુધી સંવેદનશીલ રહે છે. પરિણામે અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી સૂકી ઉધરસ ચાલુ રહી શકે છે. બદલાતી ઋતુ, ઠંડી હવા, પરાગકણ (Pollen), ધૂળ અને વાયુ પ્રદૂષણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.
આ પણ વાંચો: સુરક્ષા માટે આપો સાથ: રહેણાંક સોસાયટીઓને સીસીટીવીનું કવચ અપાવવા પોલીસની અપીલ
આધુનિક જીવનશૈલી પણ આ સમસ્યામાં વધારો કરી રહી છે. બહારનું જંક ફૂડ, વાસી ખોરાક, ખરાબ તેલમાં બનેલી વાનગીઓ, વધુ ખાંડવાળા ઠંડા પીણાં, અનિયમિત ભોજન અને રાત્રે મોડું જમવાની ટેવ એસિડ રિફ્લક્સ વધારીને લાંબી ઉધરસનું કારણ બની શકે છે.
ચિંતા ની વાત એ છે કે ઘણા દર્દીઓ ડૉક્ટરની સલાહ લીધા વગર સીધા જ મેડિકલ સ્ટોરમાંથી કફની સિરપ, એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ લેવાનું શરૂ કરી દે છે. Random Use of Antibiotics અને કફ સિરપનો બિનજરૂરી ઉપયોગ શરીર માટે હાનિકારક બની શકે છે. ખોટી દવાઓથી રોગનું મૂળ કારણ છુપાઈ જાય છે, યોગ્ય નિદાન મોડું થાય છે અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
દર્દીઓએ પોતાની ઉધરસનું નિરીક્ષણ પણ કરવું જોઈએ. ઉધરસ રાત્રે વધારે થાય છે કે નહીં? જમ્યા પછી વધે છે? ઘરની અંદર કે બહાર વધુ થાય છે? સૂકી છે કે કફ સાથે છે? આ તમામ વિગતો નિષ્ણાત ડૉક્ટરને યોગ્ય નિદાન કરવામાં મદદરૂપ બને છે.
લાંબા સમય સુધી રહેતી કફ અને ઉધરસને ક્યારેય સામાન્ય ઋતુગત તકલીફ સમજીને અવગણશો નહીં. સ્વયં દવા કરવાને બદલે યોગ્ય સમયે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. સમયસર નિદાનથી ગંભીર રોગોને શરૂઆતના તબક્કામાં ઓળખી અસરકારક સારવાર શક્ય બને છે. સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, સ્વચ્છતા અને યોગ્ય તબીબી માર્ગદર્શન જ સારા આરોગ્યની સાચી ચાવી છે.
આ લક્ષણો હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો
• ઉધરસ ત્રણથી આઠ અઠવાડિયા કરતાં વધુ સમય રહે. ગળામાં દુખાવો થવો.
• ઉધરસ સાથે લોહી આવે.
• શ્વાસ લેવામાં તકલીફ, ઘરઘરાટી અથવા છાતીમાં દુખાવો થાય.
• સતત તાવ રહે અથવા રાત્રે વધુ પરસેવો આવે.
• અચાનક વજન ઘટવા લાગે.
• વારંવાર ઉધરસને કારણે ઊંઘ અને દૈનિક જીવન પ્રભાવિત થતું હોય.
