- ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સમા માલધારી ફાટક પાસેનો રોડની છેલ્લા ત્રણ વર્ષથી કફોડી હાલત : માર્ગ પર ઠેર ઠેર કાદવ-કિચડનું સામ્રાજ્ય
- આ રસ્તા પર પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદયા પરંતુ વરસાદ આવતા તંત્રએ ચાલતી પકડી લીધી : કારખાનેદારોની અનેક રજૂઆત કરવા છતાં પણ આ રોડની કામગીરી શરૂ નથી કરાઈ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં રોડ રસ્તાનો પ્રશ્ન તો કાયમી માટે રહ્યો છે તેમાં ચોમાસુ હોઈ કે ન હોઈ છતાં પણ રસ્તાઓની હાલત મગરના પીઠ સમા ખડબચડી બની જાય છે. અનેક જગ્યાઓએ ખાડા પડ્યા હોવાના કારણે તેમાં પાણી પણ ભરાઈ રહે છે અને ક્યારેક તો આ ખાડા વાહન ચાલકો માટે જીવલેણ બની જાય છે. ત્યારે શહેરમાં એક એવો રોડ પર આવેલો છે જે રોડ પર પાથરવામાં આવેલા ડામરની તો જાણે વરસાદના પાણીના કારણે રબડી બની ગઈ હોઈ તેવું જોવા મળી રહ્યું છે. એટલી હદે રસ્તાની ખરાબ હાલત થઈ ગઈ છે કે વાહનચાલકને ત્યાંથી વાહન લઈને જવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં પણ નીંભર બનેલા તંત્રને જાણે આ રોડની મરામત કરવામાં રસ જ ન રહ્યો હોય તેમ વર્ષોથી આ રોડ તેવી જ હાલતમાં રહ્યો છે
આ રોડ બીજો કોઈ નહીં ઇન્ડસ્ટ્રીયલ સમા ગોંડલ ચોકડી નજીક માલધારી ફાટક પાસેના રોડની વાત કરવામાં આવી રહી છે જે રોડની હાલત તમે તસવીરોમાં જોઈ શકો છો. છેલ્લા ત્રણ વર્ષથી આ રોડની કોઈપણ પ્રકારની મરામત કરવામાં આવી નથી. જેથી ચોમાસુ આવતા જ આ રોડ ડામરની રબડીમાં ફેરવાઈ જાય છે. અને રોડ પર ખાડા પડ્યા હોય છે ત્યાં પાણી પણ ભરાયેલા રહે છે અને મસમોટા ખાડા ના કારણે આ રોડ પર રીક્ષા ચાલકો નોકરી ઉપર આવતા વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. અહીંના કારખાનેદારો દ્વારા અનેકવાર મનપાને અહીં રીપેરીંગ કામ કરવા માટેની રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ કોઈ પદાધિકારીઓમાં આ રસ્તાને રીપેરીંગ કરવા માટેની હિંમત જ નથી.
થોડા સમય પહેલા જ અહીં પાઇપલાઇન નાખવા માટે મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. જે હજુ તેમના તેમ પડ્યા છે. ચોમાસા પહેલા ખાડા ખોદવાનું કામ શરૂ કર્યું બાદ કોઈપણ પ્રકારના પાઇપ નાખવામાં ન આવ્યા અને વરસાદ આવતા જ ખાડાને તે જ સ્થિતિમાં મૂકીને તંત્રએ ચાલતી પકડી લીધી હતી. જેથી રાત્રીના આ ખાડો કદાચ કોઈના માટે જીવણ સાબિત પણ થઈ શકે છે. આ વિસ્તારમાં અનેક કારખાનાઓ આવેલા છે જેથી આ માર્ગ પર રોજિંદા હજારોની સંખ્યામાં લોકો પોતાનું વાહન લઈને અવરજવર કરતા હશે છતાં પણ તંત્રએ આ રોડ સુધી આવીને તપાસ કરવાની તસ્દી લીધી નથી.
રોડ રસ્તાની કામગીરી ન કરાતા કારખાનાદારોનો તંત્ર સામેનો ગુસ્સો પણ ચરણ સીમાએ પહોંચી ગયો છે. તેઓ દ્વારા પદાધિકારીઓને આ રોડની મરામત કરવા માટે થોડી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધીની સ્ટેન્ડિંગમાં આ રોડ વિશેની કોઈ ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા કારખાનેદારો રોષે ભરાયા છે અને આવતા દિવસોમાં લડી લેવાના મૂડમાં હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે.