મેઘાએ મુકામ બદલ્યો: રાજુલામાં ૧૨ કલાકમાં ૯ ઇંચ
૨૦ ગામનો સંપર્ક તૂટ્યો: બે નેશનલ હાઇ-વે સહિત ૧૭ રાજમાર્ગોનો વાહન વ્યવહાર ખોરવાયો
જૂનાગઢ જિલ્લાને ધમરોળી નાખ્યા બાદ મેઘરાજાએ મુકામ બદલાવી હવે અમરેલી જિલ્લાનો વારો કાઢી નાખ્યો છે. આજે સવારથી શરૂ થયેલા તોફાની વરસાદના કારણે સૌથી વધુ રાજુલામાં ૧૨ કલાકમાં ૯ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ૨ નેશનલ હાઈ-વે અને ૨ સ્ટેટ હાઈ-વે સહિત ૧૭ ધોરી માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. જ્યારે અમરેલી જિલ્લાના ૪ ડેમ ઓવરફ્લો થઈ જતાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તબાહી મચાવ્યા બાદ ગઈકાલ સાંજથી મેઘરાજાએ મુકામ બદલાવી અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હેત વરસાવવાનું શરૂ કર્યું છે.
આજ સવારથી અમરેલી જિલ્લામાં તોફાની વરસાદ શરૂ થયો હતો જેમાં ૧૨ કલાકમાં રાજુલામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે સાંજે પણ રાજુલામાં ૩.૭૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ધારીમાં સાત ઇંચ (૧૭૪ મીમી), ખાંભામાં સાડા પાંચ ઇંચ (૧૪૦ મીમી), લીલિયામાં ૪ ઇંચ (૧૦૭ મીમી), બગસરામાં ચાર ઇંચ (૧૦૭ મીમી), સાવરકુંડલામાં ચાર ઇંચ (૧૦૧ મીમી), જાફરાબાદમાં ચાર ઇંચ (૯૭ મીમી), ઉનામાં સાડા ત્રણ ઇંચ (૯૧ મીમી), મહુવામાં અઢી ઇંચ (૬૨ મીમી), ગીરગઢડામાં સવા બે ઇંચ (૬૦ મીમી), અમરેલીમાં બે ઇંચ (૫૧ મીમી), કોડીનાર બે ઇંચ (૫૦ મીમી), વિસાવદર દોઢ ઇંચ (૪૦ મીમી), કુંકાવાવ-વડિયામાં દોઢ ઇંચ (૩૨ મીમી), ચુડા એક ઇંચ, ગોંડલ એક ઇંચ, ગારિયાધાર, લીંબડી, વઢવાણ, તાલાલા, કોટડાસાંગાણી અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: અમરેલીનો ધાતરવાડી-૨ રાયડી ડેમ ઓવરફ્લો: ભાદય-૨ ૭૦ ટકા ભરાયો
અમરેલી જિલ્લામાં સવારથી શરૂ થયેલા તોફાની વરસાદના કારણે ધાતરવાડી, ધાતરવાડી-૨, સૂરજવાડી, રાયડી અને સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ૨૦ ગામ સંપર્કવિહોણા બન્યા છે.
ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના ૨ નેશનલ હાઈ-વે, ૨ સ્ટેટ હાઈ-વે અને પંચાયતના ધોરીમાર્ગ મળી ૧૭ રાજમાર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં હજુ ૧૪ રાજમાર્ગ બીજા દિવસે પણ બંધ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં મોડીરાત્રે મેઘાનું આગમન: ધીમીધારે એક ઇંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે પરંતુ રાજકોટ શહેર સાથે હજુ મેઘરાજા સંતાકૂકડી રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી કાળાડિબાંગ વાદળો જોવા મળે છે પરંતુ મેઘરાજા હાઉકલી કરીને જતા રહે છે. ગઈકાલે સાંજે હવામાન વિભાગે રેડએલર્ટ આપ્યા બાદ મોડીરાત્રે બે વાગ્યે મેઘરાજાની ધીમીધારે પધરામણી થઈ હતી. સતત બે કલાક સુધી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવ્યું હતું જેના પગલે એક ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, રાજકોટનો સીઝનનો ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વેરાવળ દરિયામાં બે યુવતી તણાઇ: એકનું મોત
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને બંદર પર ૩ નંબરનું સિગ્નનલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ૩થી ૫ મીટરના મોજા ઉછળી રહ્યા છે ત્યારે સોમનાથ-વેરાવળ-જાલેશ્વર દરિયાકાંઠે બે યુવતી દરિયામાં તણાઈ હતી જેમાં નિકિતા પંડિત નામની સગીરાનુંં મોત થયું છે. જ્યારે બીજી યુવતી આરતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે.
