રાજકોટ જિલ્લામાં ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગે કમર કસી
તાવના દર્દીઓના લોહીના નમૂના લઈ સ્થળ પર અપાતી સારવાર
જુલાઇ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. તેવામાં ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગે કમર કસી છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરની મુલાકાત લઈ આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત તાવના દર્દીઓને સ્થળ પર જ સારવાર પણ આપવામાં આવી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેન્ગ્યુને અટકાવવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક ગામોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દ્વારા ઘરની રૂબરૂ મુલાકત દરમિયાન જો તાવના દર્દીઓ જોવા મળે તો તેમના લોહીના નમૂના લઈ સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ પાણીના ટાંકામાં એબેટ દવા નાખવામાં આવે છે. જ્યારે મોટા બંધિયાર ખાડા કે નદીમાં પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી રહી છે.
ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે. જ્યારે મચ્છરોની ઉત્પત્તિ પાણીમાં થાય છે. માટે તેના વિશે જનજાગૃતિ પણ કરવામાં આવી રહી છે. લોકોને પાણી ભરવાના વાસણો, ટાંકીઓ નિયમિત સાફ કરવી, સૂકવીને પછી ભરવી, આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, સાંજના સમયે લીંબડાનો ધુમાડો કરવો વગેરે જેવુ આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. તાવ આવે ત્યારે આરોગ્ય કર્મચારી કે આશા વર્કરનો સંપર્ક કરી તેમને લોહીનો નમૂનો આપી તેમની સૂચના મુજબ સારવાર કરાવવા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપલી કરવામાં આવી છે.