કેન્દ્ર સરકારે લશ્કર-જૈશના 23 આતંકીઓને UAPA હેઠળ જાહેર કર્યા આતંકવાદી
આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે UAPA હેઠળ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 23 આતંકીઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. ગેઝેટ નોટિફિકેશન દ્વારા તેમના નામ ચોથી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના આતંકીઓ હાલ પાકિસ્તાન અને PoK માં છુપાયેલા છે.
23 આતંકીઓના નામ UAPA ની યાદીમાં
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ રાકેશ રાઠી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે આ 23 લોકો ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. UAPA ની કલમ 35 હેઠળ તેમના નામ સત્તાવાર યાદીમાં ઉમેરાયા બાદ હવે તેમની સામે કાનૂની કાર્યવાહી, તપાસ અને મિલકત જપ્તી જેવા પગલાં વધુ ઝડપથી લઈ શકાશે.
નગરોટા અને સુંજવાં હુમલા સાથે જોડાયેલા નામ
યાદીમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી મોહમ્મદ અસગર ખાન અને હાફિઝ અબ્દુલ શકૂર જેવા મોટા નામ સામેલ છે. આતંકીઓ પર 2016માં નગરોટા ખાતેના સેનાના કેમ્પ પર અને 2022માં જમ્મુના સુંજવાંમાં સુરક્ષા દળો પર થયેલા હુમલામાં સંડોવણીનો આરોપ છે. લશ્કર-એ-તૈયબાના અબ્દુલ રઉફ અને હાફિઝ ખાલિદ વલીદને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને આતંકી સરગના હાફિઝ સઈદના નજીકના સહયોગી ગણવામાં આવે છે.
આ પણ વાંચો: માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની ચેતવણી
બેંગલુરુનો યુવક પાકિસ્તાનમાં બેઠો કરે છે રિક્રુટમેન્ટ
આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ નામ મોહમ્મદ શહીદ ફૈઝલ ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ઝાકિરનું છે. તેનું કાયમી સરનામું કર્ણાટકના બેંગલુરુનું છે, પરંતુ હાલ તે પાકિસ્તાનના રાવલપિંડીમાં રહે છે. સરકારના જણાવ્યા મુજબ તે લશ્કર, અલ-કાયદા અને ISIS સાથે જોડાયેલા મોડ્યુલોના સંપર્કમાં છે. તેના પર સોશિયલ મીડિયાથી યુવાનોની ભરતી કરવા, હથિયારોની ટ્રેનિંગ આપવા અને આતંક માટે ફંડિંગ કરવાના ગંભીર આક્ષેપો છે.
સરકારનો સંદેશ: આતંકવાદને નહીં સહન કરીએ
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ તમામની આતંકવાદી પ્રવૃત્તિઓના પૂરતા પુરાવા મળ્યા છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે આગામી સમયમાં પણ આતંકવાદી તત્વો સામે આ જ રીતે કડક વલણ અપનાવવાની ખાતરી આપી છે.
