CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ ત્રિભાષા સૂત્રને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચાલતી મૂંઝવણનો હવે અંત આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ મોટો નિર્ણય લેતા ધોરણ 7થી 10ના લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. હવે આ ધોરણના વિદ્યાર્થીઓ પર NEP 2020નો ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ નહીં પડે અને તેઓ જૂના નિયમ મુજબ જ ભાષા પસંદ કરી પરીક્ષા આપી શકશે.
7થી 9 ધોરણના વિદ્યાર્થીઓને NEPમાંથી છૂટ
સમાચાર એજન્સી ANIએ CBSEના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે હાલમાં ધોરણ 7, 8 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ 2020 હેઠળની થ્રી લેંગ્વેજ પોલિસીમાંથી રાહત આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ ત્રિભાષા સૂત્ર હેઠળ બે વિદેશી ભાષા પસંદ કરી છે, તેઓ ધોરણ 10 સુધી એ જ ભાષાઓ સાથે અભ્યાસ ચાલુ રાખી શકશે. તેમના પર બે ભારતીય ભાષા ભણવાનું ફરજિયાત રહેશે નહીં.
આ પણ વાંચો: રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
ધોરણ-10ના વિદ્યાર્થીઓ પણ બે વિદેશી ભાષા સાથે આપી શકશે બોર્ડની પરીક્ષા
CBSEના નિર્ણય મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ બે ફોરેન લેંગ્વેજ સાથે જ બોર્ડની પરીક્ષા આપી શકશે. એટલે કે ધોરણ 7થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ પૂરતા ભાષાની પસંદગી અને પરીક્ષાના જૂના નિયમો જ યથાવત રહેશે. વચ્ચેથી ભાષા બદલવાનું ટેન્શન ખતમ થયું છે.
માત્ર ધોરણ-6 પર જ લાગુ પડશે નવો નિયમ
નવી શિક્ષણ નીતિ 2020 હેઠળનો નવો થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલા હવે માત્ર ધોરણ 6માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. આ ફોર્મ્યુલામાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ ભણવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમ-જેમ ધોરણ 6ના વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં જશે, તેમ-તેમ તેઓ આ જ લેંગ્વેજ કોમ્બિનેશન સાથે અભ્યાસ ચાલુ રાખશે.
ટૂંકમાં, CBSEએ સ્પષ્ટતા કરી છે કે નવી ત્રિભાષા નીતિનું અમલીકરણ ધોરણ 6થી શરૂ થશે. ધોરણ 7, 8, 9 અને 10માં ભણતા વિદ્યાર્થીઓને તેમાંથી સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. આ નિર્ણયથી CBSE સંલગ્ન શાળાઓના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે.
