રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ૨૦૦ એમ.એલ.પાણીની ૧.૫૫ લાખ બોટલ ગટગટાવીને બિલ ચૂકવ્યું ૧૨.૪૦ લાખ
છૂટકમાં ચાર રૂપિયામાં એક બોટલ મળે છે, આ જ બોટલને `હોલસેલ’માં આઠ રૂપિયે ખરીદી: ત્રણ જગ્યાએ મંડપ નાખ્યા’ને તેનો ખર્ચ સાત લાખ
રેઈટ કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો હોવાથી કોન્ટ્રાક્ટર માંગે એટલા પૈસા આપવા મહાપાલિકા `મજબૂર’
મહાપાલિકાએ ૨૩ ફેબ્રુઆરીએ જંગલેશ્વરમાં ગેરકાયદે બનેલા ૧૩૦૦થી વધુ મકાન-દુકાન ઉપર બૂલડોઝર ફેરી દઈ જગ્યા ખુલ્લી કરાવી દીધા બાદ હવે આ ડિમોલિશન વખતે કરવામાં આવેલા બેફામ ખર્ચના પડઘા રાજકોટથી લઈ ગાંધીનગર સુધી પડ્યા છે. અધિકારીઓ દ્વારા ૨૭.૨૦ લાખ રૂપિયાના ખર્ચે `પેટપૂજા’ કર્યાનું બિલ સ્ટેન્ડિંગ કમિટીએ હોલ્ટ ઉપર મુકી દીધા બાદ હવે નવો જ ફણગો ફૂટ્યો છે. સામાન્ય રીતે પ્રજાના પૈસાની બચત કરવાની હોય છે પરંતુ મહાપાલિકાના તંત્રવાહકો બચત કરવાની જગ્યાએ લૂંટાવા બેઠા હોય તે પ્રકારે રૂા.૫ની પાણીની બોટલ રૂા.૮માં ખરીદ કરી આ પાણી પી ગયા સાથે સાથે તેનું બિલ પણ ચૂકવી દેતાં નવો વિવાદ શરૂ થયો છે.
જંગલેશ્વર ડિમોલિશનની કામગીરી ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થઈ ૧૦ માર્ચ સુધી ચાલી હતી. આ દરમિયાન ૨૦૦ એમ.એલ.પાણીની દોઢેક લાખ રૂપિયાની બોટલનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પાણીનું આ બિલ ૧૨.૪૦ લાખ રૂપિયા થયું હતું. આશ્ચર્ય તો એ વાતનું છે કે કોઈ ગ્રાહક દુકાન પર જઈને ૨૦૦ એમ.એલ.પાણીની એક બોટલ ખરીદે તો તેણે ચારથી પાંચ રૂપિયા ચૂકવવા પડે છે પરંતુ અહીં મહાપાલિકાએ હોલસેલ ભાવે ચારથી પાંચ રૂપિયાની પાણીની આ બોટલના આઠ રૂપિયા ચૂકવ્યા છે. હોલસેલમાં સામાન લેવામાં આવે તો ઉલટાનો સસ્તો પડવો જોઈએ પરંતુ અહીં મોંઘો પડ્યો છે !
આ પણ વાંચો: વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
મહાપાલિકાએ ૨૦૨૧થી ઉમિયા મંડપ સર્વિસને રેઈટ કોન્ટ્રાક્ટ આપેલો છે. આ કોન્ટ્રાક્ટ અંતર્ગત મંડપ સહિતની ૧૧૦ વસ્તુ ઓર્ડર પ્રમાણે એજન્સીએ સપ્લાય કરવાની હોય છે. જંગલેશ્વરનું ડિમોલિશન મોટું અને લાંબા સમય સુધી ચાલવાનું હોવાને કારણે આ કોન્ટ્રાક્ટમાં પાણીની બોટલ્સ એડ કરી ઓર્ડર આપવામાં આવતાં એજન્સીએ એક બોટલના આઠ રૂપિયા લેખે દોઢ લાખ બોટલ સપ્લાય કરી હતી. આ પછી આઠ રૂપિયા લેખે બિલ પણ મુકવામાં આવ્યું હતું જે ૧૨.૪૦ લાખની રકમ પણ મંજૂર કરાઈ હતી. આ જ એજન્સીએ વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, જંગલેશ્વરમાં શાળા નં.૭૦ અને શેઠ હાઈસ્કૂલ એમ ત્રણ જગ્યાએ મંડપ પણ નાખ્યા હતા જેનું બિલ સાત લાખ રૂપિયા વસૂલ્યું હતું. રેઈટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી એક જ વખત સ્ટેન્ડિંગ કમિટીમાં તેની દરખાસ્ત આવે છે અને તે મંજૂર થયા બાદ મહાપાલિકા ગમે એટલુ બિલ હોય ચૂકવણુ કરી દેતી હોય છે. એકંદરે ૧૯.૪૦ લાખના બિલ એજન્સીને ચૂકવાઈ પણ ગયું છે.
કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો તેની `ભલામણ’ જ સૌથી ખોટી ખામી
મહાપાલિકા દ્વારા અલગ-અલગ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે ભાગ્યે જ એવું બનતું હશે કે કોન્ટ્રાક્ટ આપવા માટે કોઈ પદાધિકારીની ભલામણ આવી ન હોય ! જંગલેશ્વર ડિમોલિશનમાં પાંચ રૂપિયાની પાણીની બોટલના આઠ રૂપિયા વસૂલનાર ઉમિયા મંડપ સર્વિસ નામની એજન્સી પણ અમુક પદાધિકારીઓની `ગુડ બુક’માં હોવાથી તેમના કહેવાથી જ તેને બીજી વખત રેઈટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જો આ પ્રકારની ભલામણનો સિલસિલો બંધ થાય તો જ પૈસાનું પાણી થતું અટકશે નહીંતર `રિંગણા લઉં બે ચાર, અરે લ્યો ને દસ બાર’ જેવું થયે રાખશે.
