હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી હાઈકમાન્ડ હરકતમાં, પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું
પંજાબના રાજકારણમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં સંગઠનાત્મક નિમણૂકોને લઈને ભારે ઉથલપાથલ મચી ગઈ છે. જિલ્લા પ્રમુખોની નિમણૂક અને ટૂંકા ગાળામાં કરાયેલા ફેરફારો સામે પક્ષના વરિષ્ઠ અને પાયાના નેતાઓમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. આંતરિક અસંતોષ એટલો વધી ગયો છે કે હોશિયારપુરમાં 111 જેટલા હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા છે, જેના કારણે ભાજપ હાઈકમાન્ડની ચિંતા વધી ગઈ છે.
હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી ખળભળાટ
પંજાબના હોશિયારપુર, લુધિયાણા, ફરીદકોટ, ખન્ના, મુક્તસર અને સંગ્રુર જેવા જિલ્લાઓમાં સંગઠનની નવી નિમણૂકો સામે ભારે વિરોધ પ્રગટ થયો છે. વિશેષ કરીને હોશિયારપુરમાં 111 હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે, જ્યારે દિગ્ગજ નેતાઓ સુખમિંદર ગ્રેવાલ અને મનિંદર સિંહના રાજીનામાથી પ્રદેશ નેતૃત્વ પર દબાણ અતિશય વધી ગયું છે. નારાજ નેતાઓનો મુખ્ય આરોપ છે કે સંગઠનમાં વર્ષોથી મહેનત કરતા વરિષ્ઠ તથા પાયાના નેતાઓની ઉપેક્ષા કરીને અચાનક નવા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
દિલ્હી હાઈકમાન્ડનો હસ્તક્ષેપ: પ્રદેશ પ્રમુખ દિલ્હી બોલાવાયા
આગામી 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વ આ આંતરિક બળવાને કોઈ પણ સંજોગોમાં મોટું સંકટ બનવા દેવા માંગતું નથી. આ વિવાદને તાત્કાલિક ડામવા માટે હાઈકમાન્ડે કડક રૂખ અપનાવીને પ્રદેશ ભાજપ પ્રમુખ કેવલ સિંહ ધિલોન ને તાત્કાલિક દિલ્હી બોલાવી લીધા છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નારાજ નેતાઓ સાથે સંવાદ સાધીને તેમનો અસંતોષ દૂર કરવા અને તમામ જૂના જોગીઓને સાથે લઈને આગળ વધવાની સ્પષ્ટ રણનીતિ ઘડવા સૂચના આપવામાં આવી છે.
ભાજપ પંજાબમાં તમામ 117 બેઠકો પર એકલા હાથે લડશે
રાજકીય ગલીઓમાં અકાલી દળ સાથે ગઠબંધનની ચાલતી અટકળો પર પણ પક્ષે પૂર્ણવિરામ મૂકી દીધું છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ચંડીગઢમાં સ્પષ્ટ કર્યું હતું કે પંજાબમાં ભાજપનું ગઠબંધન કોઈ અન્ય રાજકીય પક્ષ સાથે નહીં પરંતુ સીધું રાજ્યની જનતા સાથે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ વચ્ચેની મુલાકાતને લઈને ઉઠેલી અટકળોને ફગાવતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન સૌને મળી શકે છે અને તેને ગઠબંધન સાથે જોડવું યોગ્ય નથી. પંજાબ ભાજપ પ્રમુખ કેવલ સિંહ ધિલોને પણ સ્પષ્ટતા કરી દીધી છે કે પક્ષ આગામી ચૂંટણીમાં તમામ 117 વિધાનસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની પૂરતી તૈયારી કરી રહ્યો છે.
