દિલ્હી-દુબઈનું 1 લાખનું ભાડું 1.25 લાખે પહોંચશે
ઉનાળામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો ખિસ્સું થોડું વધુ ઢીલું કરવા તૈયાર રહેજો. ભૌગોલિક તણાવ અને રિફાઇનરીની અછતને કારણે જેટ ઇંધણ મોંઘું થઈ રહ્યું છે, જેની સીધી અસર ફ્લાઇટ ટિકિટ પર પડશે. મેકકિન્સેના અહેવાલ મુજબ આવનારા દિવસોમાં હવાઈ ભાડામાં 20% થી 25% સુધીનો વધારો થઈ શકે છે. એટલે કે જે દિલ્હી-દુબઈનું રાઉન્ડ-ટ્રીપ 1 લાખમાં થતું હતું તે હવે 1.25 લાખે પહોંચી જશે. એરલાઇન્સનો 30% ખર્ચ ઇંધણનો જ હોય છે, એટલે ભાડું વધવું નક્કી છે.
ટિકિટના ભાવમાં 25% સુધીનો ઉછાળો
હવાઈ મુસાફરી ફરી મોંઘી થવાની છે. રિપોર્ટ મુજબ આગામી સમયમાં ફ્લાઇટ ટિકિટના ભાવ 25% સુધી વધી શકે છે. દિલ્હી, મુંબઈ, લંડન અને દુબઈ જેવા રૂટ પર આ અસર સૌથી વધુ દેખાશે. ઉદાહરણ તરીકે દિલ્હીથી દુબઈનું રાઉન્ડ-ટ્રીપ ભાડું હાલ 25-28 હજાર છે. 4 લોકોનું ભાડું લગભગ 1 લાખ થાય, પણ 25% વધારા બાદ તે 1.25 લાખ સુધી પહોંચી જશે. જે પરિવારનું બજેટ 1 લાખનું હતું તેને હવે 1.25 લાખ ગોઠવવા પડશે.
આ પણ વાંચો: હોસ્ટેલની બેદરકારીથી દમ તોડતી 10 વર્ષની આયુષી: 15 દિવસ બીમારી છુપાવી
જેટ ઇંધણની અછત જ મોટું કારણ
ભાડું વધવા પાછળ મુખ્ય કારણ જેટ ફ્યુઅલ છે. કુલ ટિકિટ કોસ્ટમાં ઇંધણનો હિસ્સો 30% જેટલો છે. વિશ્વના જેટ ઇંધણનો 40% સપ્લાય કરતા ખાડી દેશો અને એશિયન નિકાસકારોની રિફાઇનરીઓમાં ઉત્પાદન ઘટ્યું છે. ઉપરથી ભૂરાજકીય તણાવને કારણે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાએ તેલ નિકાસ પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે. ઉનાળાની સીઝન શરૂ થતાં જ ડિમાન્ડ વધી ગઈ છે પણ ઇન્વેન્ટરી સત ઘટી રહી છે. મોટાભાગની વૈશ્વિક રિફાઇનરીઓ પહેલેથી જ ફૂલ ક્ષમતાએ ચાલે છે, એટલે તરત ઉત્પાદન વધારવું શક્ય નથી.
આગામી મહિનાઓ સુધી રાહત નહીં
મેકકિન્સેના રિપોર્ટ મુજબ રિફાઇનિંગ માર્જિન વધે તો રિફાઇનરીઓ ઉત્પાદન વધારશે, પણ વ્યૂહાત્મક સ્ટોરેજ ભરવામાં સમય લાગશે. એટલે આગામી કેટલાક મહિના સુધી કિંમતો ઊંચી રહેવાની શક્યતા છે. એરલાઇન્સ માટે બીજો વિકલ્પ નથી. ઇંધણ બમણું મોંઘું થાય તો એરલાઇન્સ તેનો બોજ મુસાફરો પર જ નાખશે.
ટૂંકમાં, ઉનાળાનું વેકેશન પ્લાન કરી રહ્યા હો તો જલ્દી ટિકિટ બુક કરાવી દો. કારણ કે રાહ જોશો તો ભાડું વધતું જશે. દિલ્હી-મુંબઈથી વિદેશ જવાનું સપનું હવે થોડું મોંઘું પડશે.
