ગુજરાત સહિતના રાજ્યોના 315 જિલ્લાઓમાં ખરીફ પાક માટે ચિંતા
ખુદ કેન્દ્રીય કૃષિ મંત્રીની કબૂલાત; 111 જિલ્લાઓમાં તો દુકાળ જેવી હાલતનો ખતરો, જિલ્લા પ્રમાણે એક્શન પ્લાન તૈયાર કરવાનો રાજ્યોને આદેશ
આ વર્ષે ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર વચ્ચે 23 જૂન સુધી ભારતમાં વરસાદમાં 42 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેને જોતા કેન્દ્ર સરકારે ખરીફ પાક બચાવવા માટે ઈમરજન્સી ઉપાય શરૂ કરી દીધા છે. સરકારે ઓછા વરસાદ અને સિંચાઈની કમીવાળા ગુજરાત સહિતના અનેક રાજ્યોના 315 જિલ્લાની ઓળખ કરી છે અને રાજ્યોને જિલ્લા પ્રમાણે એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નબળા ચોમાસાનો સામનો કરવા દેશની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે ખેતી ઉત્પાદન પર અસરને ઘટાડો કરવા માટે પાણી બચાવવું, પાકમાંવૈવિધ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવણી કરવા પર ભાર આપ્યો. ઐતિહાસિક રૂપથી અલ નીનો હવામાન પેટર્નનો સંબંધ એવરેજથી ઓછો વરસાદ અને ખરીફ પાકમાં ઓછા ઉત્પાદનથી રહ્યો છે.
ઓળખ કરવામાં આવેલા 315 જિલ્લામાંથી 111ને ઉચ્ચ પ્રાથમિકતાવાળી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં સિંચાઈની સુવિધા 25 ટકાથી ઓછી છે. 76 જિલ્લાને મધ્ય પ્રાથમિકતામાં રાખ્યા છે, જ્યાં સિંચાઈની સુવિધા 25-50 ટકા વચ્ચે છે. તો 128 જિલ્લાને ઓછા સંવેદનશીલ માનવામાં આવ્યા છે, જ્યાં જળાશયો અને અન્ય સ્ત્રોતથી સિંચાઈની સારી સુવિધા ઉપલબ્ધ છે. તેમાં મોટા ભાગના જિલ્લા મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ફેલાયેલા છે.
આ પણ વાંચો: ભાગેડુ નીરવ મોદીને લંડનની હાઇકોર્ટનો આદેશ; બેન્કને લોન માટે પર્સનલ ગેરંટી આપી હતી
વાવણી સારી હોવાનો દાવો
સરકારે 2026ની ખરીફ સીઝન માટે અનાજ ઉત્પાદનનું લક્ષ્ય 176 મિલિયન ટન નક્કી કર્યું છે, જે પાછલા વર્ષની સીઝનના ઉત્પાદન બરાબર છે. અત્યાર સુધી ઓછો વરસાદ છતાં 22 જૂન સુધી 11.99 મિલિયન હેક્ટર જમીન પર પાકની વાવણી થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલાના 11.79 મિલિયન હેક્ટરથી થોડી વધુ છે.
કેન્દ્રની રાજ્યોને મહત્વની ભલામણો
*ચોમાસાની પ્રગતિ પર સમીક્ષા બેઠક બાદ ચૌહાણે પત્રકારોને કહ્યું કે કુલ મળી ચોમાસાના વરસાદમાં 43 ટકાની કમી છે.
*હવામાન વિભાગનું અનુમાન છે કે નબળું ચોમાસું 2 જુલાઈ સુધી યથાવત રહેવાની સંભાવના છે. તેનો મતલબ છે કે ખરીફ પાકો પર અસર પડી શકે છે.
*રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઓછા પાણીની જરૂરિયાતવાળી દાળો, તેલીબિયાં અને મોટા અનાજને પ્રોત્સાહન આપે
* આ સત્ર માટે બીજ અને ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જળાશયોમાં પાણીનું સ્તર હજુ પાછલા વર્ષના પ્રમાણમાં વધુ છે, પરંતુ તેમાં કમી આવી રહી છે.
* રાજ્યોને કહેવામાં આવ્યું કે તે પાણીનો સમજદારીથી ઉપયોગ કરે અને સિંચાઈની જરૂરિયાત માટે પાણી બચાવવાના ઉદ્દેશ્યથી વીબી-ગ્રામ જી કાર્યક્રમ હેઠળ તળાવો, નદીઓ, ખેતરના તળાવો અને ચેકડેમની સફાઈ કરે.
