ભારતીય સૈનિકોને યુક્રેન મોકલવાના વેન્સના સૂચનને ટ્રમ્પે ફગાવી દીધું
કહ્યું “ભારતીયો આવું કરવા કે તેના માટે ખર્ચ ઉઠાવવા તૈયાર નહીં થાય”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અંગે વ્હાઇટ હાઉસમાં થયેલી આંતરિક ચર્ચાઓનો રસપ્રદ ખુલાસો સામે આવ્યો છે. ‘રેજીમ ચેન્જ’ નામના નવા પુસ્તક અનુસાર ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે યુક્રેનમાં સંભવિત યુદ્ધવિરામની દેખરેખ માટે નાટો દેશોના બદલે ભારત અને સાઉદી અરેબિયા જેવા દેશોના શાંતિદળ તૈનાત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. જોકે ટ્રમ્પે આ સૂચનને તરત જ નકારી કાઢ્યું હતું. પુસ્તક મુજબ ટ્રમ્પે હસતાં હસતાં કહ્યું હતું કે, “ભારતીયો આવું નહીં કરે અને તેના માટે પૈસા પણ નહીં ખર્ચે.”
ટ્રમ્પે તેમના મોદી સાથેના ઘનિષ્ઠ સબંધોનો ઉલ્લેખ કર્યો પણ સાથે જ કહ્યું કે ભારત શાંતિદળની તૈનાતીનો ખર્ચ અને જવાબદારી ઉઠાવવા તૈયાર નહી થાય. તેમની આ સ્પષ્ટ વાત પછી એ મુદ્દો પૂરો થઈ ગયો હતો.નોંધનીય છે કે સામાન્ય રીતે પીસ કિપિંગ ફોર્સમાં સેવા આપનાર દેશો પરિવહન તેમ જ સાધનોનો ખર્ચ પોતે ભોગવતા હોય છે.
આ પણ વાંચો: ગુજરાત સહિતના રાજ્યોના 315 જિલ્લાઓમાં ખરીફ પાક માટે ચિંતા
વળી યુક્રેન યુધ્ધ અંગે ભારતે પોતાની ભૂમિકા પહેલેથી જ સ્પષ્ટ કરી દીધી હતી.ભારતે યુદ્ધમાં તટસ્થતા જાળવી રાખી હતી.મોદીએ કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો યુગ નથી.ભારતે શાંતિ અને સંવાદની વાત કરી હતી.
પુસ્તકમાં જણાવ્યા મુજબ જાન્યુઆરી 2025માં ઓવલ ઓફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત કરવાની ‘અમેરિકા ફર્સ્ટ’ યોજના પર ચર્ચા થઈ હતી. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કીથ કેલોગે રજૂ કરેલી યોજના હેઠળ યુરોપિયન દેશોના શાંતિદળને યુક્રેનમાં તૈનાત કરવાની વાત હતી. વેન્સે દલીલ કરી હતી કે નાટો દેશોના સૈનિકોની હાજરી રશિયાને ઉશ્કેરણીજનક લાગી શકે છે અને સંઘર્ષ વધુ ગંભીર બની શકે છે. ત્યારબાદ તેમણે ભારત અને સાઉદી અરેબિયાના સૈનિકો દ્વારા દેખરેખ રાખવાનો વિકલ્પ સૂચવ્યો હતો. જોકે ટ્રમ્પે ભારતની ભૂમિકાને લઈને શંકા વ્યક્ત કરી હતી અને સાથે જ અમેરિકા પર કોઈ આર્થિક કે લશ્કરી ભાર ન આવવો જોઈએ તેવી સ્પષ્ટતા કરી હતી.
“યુક્રેન દુનિયાનો સૌથી ભ્રષ્ટ દેશ” – ટ્રમ્પના કથિત નિવેદનથી ચર્ચા
‘રેજીમ ચેન્જ’ પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી પર કડક ટિપ્પણીઓ કરી હતી. પુસ્તક અનુસાર ટ્રમ્પે ઝેલેન્સ્કીને “ખરાબ વાટાઘાટકાર” ગણાવતાં કહ્યું હતું કે તેમણે પોતાનો દેશ બરબાદ કરી નાખ્યો છે, પરંતુ બાઇડન પ્રશાસન પાસેથી સતત મદદ મેળવવામાં તેઓ ખૂબ કુશળ રહ્યા છે. ટ્રમ્પે યુક્રેનને “દુનિયાનો સૌથી ભ્રષ્ટ દેશ” પણ ગણાવ્યો હોવાનું પુસ્તકમાં લખાયું છે. આ દાવાઓ દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસનમાં યુક્રેન પ્રત્યે ઊંડો અવિશ્વાસ હતો અને યુદ્ધ સમાપ્ત કરવા માટેની નીતિ મોટાભાગે ટ્રમ્પની વ્યક્તિગત માન્યતાઓ અને અભિગમથી પ્રભાવિત હતી.
