જંગલેશ્વર ડિમોલિશનમાં સ્ટાફે ૨૭ લાખના ભાવતા ભોજનીયા કર્યા, શાસકોએ બીલને મારી બ્રેક
છ લાખથી વધુની તો ચા પી ગયા, સ્ટેન્ડિંગ કમિટીમાં બીલ બાબતે પૂછાયું કે કાજુ કતરી, સમોસા કોને મંગાવ્યા હતા શું જરૂર હતી ? યોગ્ય જવાબ ન મળ્યો, ચેરમેને બિલ દરખાસ્ત પેન્ડિંગ રખાવી
રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન કર્યું અને જમીન ખુલ્લી કરાવી એ વેળાએ ઓપરેશન સમયે મહાપાલિકાના અધિકારીઓ, સ્ટાફ, ફરજ પરના અન્ય વિભાગના કર્મીઓને ચા, નાસ્તો અને જમણ કરાવાયા પાછળ ૨૭.૨૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યાના લાખેણા બિલને સ્ટેન્ડિંગ કમિટી (શાસકો)એ બ્રેક લગાવી દીધી છે. એક તરફ લોકોના આશિયાના પડતા હતા અને બીજી તરફ અધિકારી, સ્ટાફ કાજુકતરી, સમોસાની જયાફત (જો કે બધાના નસીબમાં નહીં હોય રિલેક્ટેડને જ આ ટેસ્ટ મળ્યો હતો) માણતા હતા. ડિમોલિશન સમયે સ્વીટ કે આવી વસ્તુઓ મંગાવવાની શું જરૂર પડી સહિતના વેધક સવાલોની સટાસટી વચ્ચે ખાઉંધરા અધિકારી, સ્ટાફના ભાવતા ભોજનીયાનું ૨૭.૨૦ લાખનું બિલ સ્ટેન્ડિંગ કમિટીએ હાલ તો પેન્ડિંગ રાખી દીધું છે.
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પરેશ પીપળિયાની અધ્યક્ષતામાં દસ દરખાસ્તો સાથેની બેઠક મળી હતી જેમાં સ્ટેન્ડિંગ સભ્યો અને અધિકારીગણ હાજર હતા. સૌથી ચર્ચાસ્પદ એવી દરખાસ્ત રહી જંગલેશ્વર ડિમોલિશનમાં ૨૭.૨૦ લાખના જમણ, ચા, પાણી, નાસ્તા ખર્ચની, સમજાય કે ફિલ્ડવર્કમાં અધિકારીઓ, સ્ટાફ રોકાયો છે તો ભોજન, ચા-પાણી જોઈએ. જો કે આવું તો જવલ્લે જ બનતું હોય અને પગાર પણ તગડા હોય છે. ધારે તો ખિસ્સાના ખર્ચે જમી શકે પરંતુ બારોબાર મનપાની કેડ પર હતું એટલે રીંગણા લઉ બે ચાર લેને દસ બારની માફક કાજુકતરી, ખજૂર રોલ, સમોસા, જલેબી, ગાંઠિયાની પણ મિજબાની મનાવાઈ હતી.
આ પણ વાંચો: સાયલા પાસે હાઇ-વે પર કટિંગ થાય તે પહેલાં વિદેશી દારૂ સહિત ૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત
અધધ કરી ડકાય તે ૨૦,૮૦૦નો ચા પી ગયા જાણે ચા પીધી હશે કે પાણીની જગ્યાએ ચા જ પીધાપીધ કરી હશે ? તે પણ આશ્ચર્ય છે. ખાલી ચાનું બિલ જ છ લાખથી ઉપરનું બન્યું. મીઠાઈઓ, ભાવતા ભોજનીયા, ચા તો ચાલુને ચાલુ જ હતી પણ જેને ટાઢા કોઠે થવું હોય તેના માટે આદુ-લીંબુ સરબતની બોટલો પણ હતી. આવી ચાર હજાર તો બોટલો ખાલી થઈ (પીવાઈ ગઈ) હતી. લંચમાં પણ અલગ-અલગ કેટેગરીની ડીસો મંગાવાતી હતી. સ્પેશિયલ ડીશ, લંચ ડીશ આમ ખાધુ-પીધુંને ડિમોલિશન કર્યુની માફક જંગલેશ્વર ડિમોલિશન સમયે મહાપાલિકાના બાબુઓ અને મદદમાં રહેલા અન્ય સરકારી વિભાગના કર્મીઓએ મળી ૨૭.૨૦ લાખનું જમણ, ચા, ઠંડક બિલ કરી નાખ્યું હતું.
આ તોતીંગ ખર્ચ બિલ દરખાસ્ત મુકાતા પહેલેથી જ ચર્ચામાં આવ્યું હતુ. બુધવારની સ્ટેન્ડિંગમાં આ બિલે હાજર અધિકારીઓની બોલતી બંધ એટલે કે વ્યાજબી કારણો, જવાબો ન આપી શકાયા. જેને લઈને શાસકોએ આ ભાવતા ભોજનીયાના લાખેણા બિલની દરખાસ્તને પેન્ડિંગ રાખી દીધી છે. જે રીતે મીઠાઈઓ આરોગાઈ તેના પરથી સવાલો એ પણ થાય કે શું ઘરે પણ આવી રીતે જમણમાં રોજીંદા મોંઘી મીઠાઈઓ આરોગતા હશે ?
શાસકોના ગળે ઉતરે તેવા કારણો સાથે હવે ફરી દરખાસ્ત આવશે ?
લાખો રૂપિયાના ભોજન, ચાના બિલને હાલ તો શાસકોએ કરકસર કે શંકા ઉદ્ભવતા પેન્ડિંગ રાખી દીધું છે. હવે કદાચ એવું બને કે જે તે જવાબદાર અધિકારીઓ કે વિભાગ દ્વારા શાસકો, સ્ટેન્ડિંગ કમિટીના ગળે ઉતરી જાય તેવા કારણો સાથે ફરી આ બિલ મંજૂરી અર્થે મુકાઈ શકે કે શાસકોની બીજા રાઉન્ડમાં બિલ સંદર્ભે પરીક્ષા લેવાઈ શકે.
