રાજકોટ એરપોર્ટ માટે ‘સલાહકાર સમિતિ’ની રચના: રૂપાલા ચેરમેન
કલેક્ટર, પોલીસ કમિશનર ઉપરાંત ડૉક્ટર, ઉદ્યોગપતિ સહિતના સભ્યોનો કમિટીમાં સમાવેશ
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેના ચેરમેન તરીકે સાંસદ પરસોત્તમ રૂપાલાને જવાબદારી મળી છે. આ ઉપરાંત કમિટીમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ૧૬ સભ્યોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા એરપોર્ટ આસપાસ રહેતા લોકોને એરપોર્ટને કારણે કોઈ તકલીફ તો નથી પડી રહીને તે ઉપરાંત એરપોર્ટમાં મુસાફરોની સગવડ તેમજ અગવડ અંગે કાર્યવાહી કરવામાં આવશે.
આ કમિટીના ચેરમેન પરસોત્તમ રૂપાલા બન્યા છે જ્યારે સભ્ય તરીકે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એરપોર્ટના ચીફ સિક્યુરિટી ઓફિસર અમનદીપ સિરસવા, ઈન્ડિગો એરલાઈન્સના મેનેજર લોઈડ પીન્ટો, એર ઈન્ડિયાના મેનેજર ક્રિષ્ના ચતુર્વેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે એરપોર્ટ ડિરેક્ટર દિગંતા બોરાહ ક્નવીનર તરીકે જવાબદારી સંભાળશે.
આ ઉપરાંત ચેરમેને પાંચ નામ સુચવ્યા હતા જેમાં ડૉ.પ્રકાશ મોઢા (ગોકુલ હોસ્પિટલ), મિહિરભાઈ મણિયાર (પેટ્રિયો હોસ્પિટાલિટીના ડિરેક્ટર), મયુર શાહ (સામાજિક કાર્યકર્તા-રાજકીય આગેવાન), રાજન વડાલિયા (હાઈ બોન્ડ સિમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર), પ્રણવ ભાલાળા (ચેમ્બર ઓફ કોમર્સ) અને ગોપાલ અનડકટ (આદેશ ટ્રાવેલ્સના એમડી)નો પણ મેમ્બર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.