અમેરિકા હવે નવો હુમલો કરશે તો યુદ્ધ હિન્દ મહાસાગર સુધી લઈ જવાની ઇરાનની ધમકી
વૈશ્વિક જળ પરિવહન સામે તોળાઈ રહેલો નવો ખતરો
અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી સૈન્ય અથડામણ સર્જાય તો યુદ્ધનો વ્યાપ હિન્દ મહાસાગર સુધી વિસ્તારવાની ચેતવણી ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના વરિષ્ઠ સલાહકાર યાહ્યા રહીમ સફવીએ આપી છે. ઇરાનની ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરાયેલા એક વિડિયોમાં સફવીએ કહ્યું કે સંઘર્ષ પહેલેથી જ પર્શિયન ખાડી અને હોર્મુઝની ખાડીમાંથી લાલ સમુદ્ર સુધી ફેલાઈ ચૂક્યો છે અને જો અમેરિકા વધુ હુમલા કરશે તો યુદ્ધનો મોરચો હિન્દ મહાસાગર તથા તેનાથી પણ આગળ વિસ્તરી શકે છે.
ઇરાન અને અમેરિકા વચ્ચે પર્શિયન ખાડી, ઓમાનની ખાડી અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વના દરિયાઈ માર્ગોને લઈને તણાવ વધી રહ્યો છે. ઈરાન અમેરિકાની કોઈ પણ નવી લશ્કરી કાર્યવાહી સામે તે સમગ્ર વિસ્તારમાં અમેરિકી હિતો અને સંપત્તિઓને નિશાન બનાવવાની ચેતવણી આપતું રહ્યું છે. ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડે પણ વધુ ઉશ્કેરણી થશે તો તે પોતાની સૈન્ય રણનીતિ અને લક્ષ્યોમાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો હતો.
આ ચેતવણીઓ વચ્ચે વૈશ્વિક વેપાર માટે મહત્વના દરિયાઈ માર્ગો પર પહેલેથી જ દબાણ વધી રહ્યું છે. બાબ અલ-મંદેબ જળમાર્ગ અને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હોર્મુઝની ખાડીમાંથી સપ્તાહાંત દરમિયાન માત્ર 17 કોમોડિટી જહાજો પસાર થયા હતા, જ્યારે અગાઉના સપ્તાહે આ સંખ્યા 37 હતી અને યુદ્ધ પહેલાં સરેરાશ દરરોજ આશરે 125 જહાજો અહીંથી પસાર થતાં હતા. લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબ માર્ગ પર પણ સુરક્ષા જોખમો વધતા વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા અંગે ચિંતા ઊભી થઈ છે.
હિન્દ સાગરનું અનેરું મહત્વ…
હિન્દ મહાસાગર વિશ્વના પાંચ મહાસાગરોમાં ત્રીજા ક્રમે સૌથી મોટો મહાસાગર છે. આશરે 7.05 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો આ મહાસાગર પૃથ્વીની જળસપાટીના લગભગ 20 ટકા ભાગને આવરી લે છે. તેની ઉત્તરીય સીમા ભારત, ઈરાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા એશિયાઈ દેશો સાથે જોડાયેલી છે. લાલ સમુદ્રને એડનના અખાત અને ત્યારબાદ હિન્દ મહાસાગર સાથે જોડતો બાબ અલ-મંદેબ જળમાર્ગ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વનો ગણાય છે. એ જ રીતે પર્શિયન ખાડીને ઓમાનની ખાડી સાથે જોડતી હોર્મુઝની ખાડી વિશ્વના તેલ પરિવહનનું મુખ્ય પ્રવેશદ્વાર છે. આ માર્ગોમાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક પુરવઠા સાંકળને સીધી અસર પહોંચાડી શકે છે.
ભારતને થશે ગંભીર અસરો…
જો મધ્ય પૂર્વનું યુદ્ધ હિન્દ મહાસાગર સુધી વિસ્તરે તો ભારત પર તેની ગંભીર આર્થિક અસર પડી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકાથી વધુ કાચું તેલ આયાત કરે છે અને તેમાંનો મોટો હિસ્સો હોર્મુઝની ખાડી મારફતે આવે છે. દરિયાઈ માર્ગોમાં અવરોધ ઊભો થાય તો કાચા તેલ, એલપીજી અને અન્ય ઊર્જા ઉત્પાદનોના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જહાજ પરિવહન ખર્ચ અને વીમા પ્રીમિયમ વધવાથી આયાત-નિકાસ મોંઘી બનશે, જેના કારણે વેપાર પર દબાણ વધશે. તાજેતરના તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચ્યો છે, જ્યારે ભારતના ક્રૂડ બાસ્કેટનો સરેરાશ ભાવ પણ સતત વધી રહ્યો છે. પરિણામે ભારતની આયાત બિલ, ફુગાવો અને રૂપિયાના મૂલ્ય પર વધારાનો દબાણ સર્જાઈ શકે છે.
