કતાર ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં માર્યા ગયેલા 13 લોકોમાંથી 12 ભારતીય
કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં આવેલા બરઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા છે, જેમાં 12 ભારતીયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 66 લોકો ઘાયલ થયા છે. કતારના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું કે મૃતકોમાં ભારતીય અને પાકિસ્તાની નાગરિકો સામેલ છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના ટેકનિકલ ખામીના કારણે સર્જાયેલી દુર્ઘટના હોવાનું સામે આવ્યું છે.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રાસ લાફાનથી 70 કિલોમીટર દૂર આવેલા દોહા શહેર સુધી તેની અસર અનુભવાઈ હતી. જોકે કતાર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘટનાથી પર્યાવરણને કોઈ જોખમ નથી અને દેશની એલએનજી નિકાસ કામગીરી પર પણ કોઈ અસર થઈ નથી. પ્લાન્ટ ડિસેમ્બર 2025થી જાળવણી માટે બંધ હતો અને માત્ર બે દિવસ પહેલાં જ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: RTI નિયમોમાં ફેરફાર નહીં હટાવાય તો આમરણાંત ઉપવાસની જાહેરાત
દોહામાં આવેલી ભારતીય દૂતાવાસે મૃતકોના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરી જણાવ્યું છે કે કતારી સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહીને ઘાયલોને મદદ તેમજ મૃતદેહોને ભારત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન રાસ લાફાનના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે ઉત્પાદન લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યું હતું. હવે પ્લાન્ટ ફરી શરૂ કરવાના પ્રયાસો દરમિયાન આ દુર્ઘટના સર્જાતા કતારના ઊર્જા ક્ષેત્રને મોટો ફટકો લાગ્યો છે.
