જેતપરમાં વીજ કંપની સામે ફરિયાદ કરવા ખેડૂતના ટોળાંએ પોલીસ સ્ટેશન માથે લીધું
કોંઢમાં ૫૦ જેટલા ખેડૂતો ધારાસભ્ય સાથે મુખ્યમંત્રી અને મંત્રીને મળ્યા: નવી જંત્રી મુજબ વળતર અપાવવા માંગ
સૌરાષ્ટ્રમાંથી પસાર થતી હેવી વીજલાઈન મુદ્દે વીજ કંપની યોગ્ય વળતર ચૂકવતી ન હોય જેના વિરોધમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં મોરબીના જેતપરમાં ત્રણ દિવસથી ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ત્યારે આજે ખેડૂતોએ વીજ કંપનીનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેતપરના ૧૫ જેટલા ખેડૂતોએ મુંડન કરાવી પીંડદાન કરી વીજ કંપનીનું બારમું કરી નાખ્યું હતું.
મોરબીના જેતપર ગામે છેલ્લા ૩ દિવસથી આજુબાજુના એક ડઝન ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ત્યારે આજે આ ઉપવાસ આંદોલનમાં નવો વણાંક આવ્યો હતો.
ખેડૂતોએ વીજ કંપનીનો ઉગ્ર વિરોધ કરી એકસાથે ૧૫ જેટલા ખેડૂતોએ મુંડન કરાવ્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ વીજ કંપનીનું પીંડદાન કરી બારમું પણ કરી નાખ્યું હતું.
આ પણ વાંચો: જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીઓ સાથે કરવામાં આવી ગંદી માંગણી
બીજીબાજુ જેતપર નજીકના અનેક ગામમાં વીજ કંપનીએ ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આડેધડ મોટા ખાડા કરી નાખ્યા હોય માથે ચોમાસુ આવતું હોય ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં વીજ કંપની સામે ફરિયાદ કરવા તાલુકા મથકે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતોની ફરિયાદ નહીં લેવાતા ભારે હોબાળો મચી ગયો હતો.
એક તરફ જેતપરમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે તો બીજી બાજુ ધ્રાંગધ્રાના કોંઢ ગામે પણ વીજ કંપનીના વિરોધમાં ખડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા જેની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખેડૂતોની મુલાકાત લઈને તેમના પ્રશ્નો સાંભળ્યા બાદ આજે ૫૦ જેટલા ખેડૂતો સાથે ધારાસભ્ય ગાંધીનગર પહોંચ્યા હતા અને ખેડૂતોના પ્રશ્ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નનો તાત્કાલીક નિવેડો લાવવા માંગ કરી હતી.
મોરબીથી લઈને વેરાવળ સુધી વીજ કંપની દ્વારા ૭૬૨ કે.વી.ની હેવી વીજલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોએ તેમની જંત્રી મુજબ વળતર આપવાની માંગ સાથે વીજ કંપની સામે આંદોલન શરૂ કર્યું છે. આ ઉપરાંત ખેડૂતોએ અન્ય માંગળીઓ પણ સરકાર સમક્ષ મુકી છે.
