દેશના લાખો નોકરિયાતોને સરકારે આપી રાહત
સતત ત્રીજા વર્ષે EPFO માટેના વ્યાજ દર 8.25 ટકા ઉપર યથાવત
દેશના લાખો રોજગાર મેળવનારા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના થાપણો પર વ્યાજ દર જાહેર કર્યા છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. આ રકમ આ મહિને 7.5 કરોડથી વધુ સભ્યોના ખાતામાં જમા થવાની ધારણા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નિર્ધારિત વ્યાજ દર નાણા મંત્રાલય દ્વારા સરકારની મંજૂરી મળ્યા પછી લાગુ કરવામાં આવે છે. આમ સતત ત્રીજા વર્ષે સરકારે દર યથાવત રાખ્યા છે.
આ પણ વાંચો: PDM ફાટકે ફાઈલમાં `કેદ’ અન્ડરબ્રિજ બહાર નીકળ્યો: 46 મિલકતો કપાત થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા નિર્ધારિત 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. અગાઉ 2 માર્ચના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. આ સતત ત્રીજા વર્ષે આ દર જાળવી રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આ દરખાસ્ત નાણા મંત્રાલયને મોકલવામાં આવી હતી, કારણ કે ભારત સરકાર ઇપીએફની ગેરંટી આપનાર છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2024-25 માટે વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખ્યો હતો. 2024 માં ઇપીએફઓએ 2023-24 માટે વ્યાજ દરમાં થોડો વધારો કરીને 8.25 ટકા કર્યો હતો, જે 2022-23 માં 8.15 ટકા હતો. માર્ચ 2022 માં, સંસ્થાએ 2021-22 માટે વ્યાજ દર ઘટાડીને 8.10 ટકા કર્યો, જે ચાર દાયકાથી વધુ સમયનો સૌથી નીચો છે. અગાઉ, 2020-21 માં આ દર 8.5 ટકા હતો. નાણાકીય વર્ષ 1977-78 માં તે 8 ટકા હતો.
