મહાપાલિકાના 22 વિભાગમાં દોડતાં 51 વાહન પરત લેવા અરજન્ટ ઠરાવ
આરોગ્ય, દબાણ સહિતની શાખાઓના કર્મચારીઓ દ્વારા મન પડે ત્યાં તંત્રએ ભાડે રાખેલા વાહન લઈ જવાતા હોવાનું ધ્યાન પર આવતાં સ્ટે.કમિટી ચેરમેનનો નિર્ણય
મહાપાલિકામાં કરકસરના એક બાદ એક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં ક્નઝ્યુમર પમ્પ ઉપરથી પેટ્રોલ-ડીઝલની ખરીદી બંધ કરી મહિને ૩૯ લાખની બચત કર્યા બાદ હવે વાહનોની સંખ્યામાં પણ કાપ મુકવામાં આવ્યો છે. બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન દ્વારા અરજન્ટ બિઝનેસ દરખાસ્ત કરી મહાપાલિકાના ૨૨ વિભાગમાં દોડતા ૫૧ જેટલા વાહન પરત લેવા નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: રામ મંદિર બાદ મથુરાના શ્રીકૃષ્ણ મંદિરમાં પણ દાનની ચોરી થઇ
આ અંગે કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે કરકસર કરવાના નિર્ણયના ભાગરૂપે મહાપાલિકા દ્વારા આઉટસોર્સિંગ હેઠળ લેવાયેલા ૫૧ જેટલા વાહન પરત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વાહનનો ઉપયોગ આરોગ્ય, દબાણ સહિતની અલગ-અલગ શાખાઓ દ્વારા કરવામાં આવતો હતો. એકંદરે અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા આ વાહનનો મન પડે ત્યાં ઉપયોગ કરાઈ રહ્યો હોવાથી તેમાં કાપ મુકવો જરૂરી બની ગયો છે. આ અંગે અધ્યક્ષસ્થાનેથી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હોવાથી ટૂંક સમયમાં જ કમિશનર દ્વારા આઉટસોર્સિંગ હેઠળ ચાલતા વાહનોની સંખ્યામાં કાપ મુકી જરૂરિયાત ન હોય તેવા વાહનો પરત કરવામાં આવશે.
