રામ મંદિર બાદ મથુરાના શ્રીકૃષ્ણ મંદિરમાં પણ દાનની ચોરી થઇ
જન્મભૂમિ મુક્તિ આંદોલનના નેતા દિનેશ ફળાહારીએ સીએમ યોગીને કરી રાવ
રામ મંદિરમાં સતત ત્રીજા દિવસે સીટની તપાસ; ૨ કરોડની રિકવરી
અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો વિવાદ સામે આવ્યો છે. જેને પગલે આ મામલે એસઆઇટી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરમાં જે દાન આવે છે તેની ગણતરી કરનારા આશરે ૪૩ જેટલા કર્મચારીઓની એસઆઇટી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમ કે ચોરી મુખ્યત્વે દાન પેટીમાં આવેલા દાનમાંથી જ કરવામાં આવી હોવાના અહેવાલો છે. સતત ત્રીજા દિવસે સીટ દ્વારા મંદિરના સંકુલમાં કલાકો સુધી તપાસ અને પૂછતાછ હાથ ધરાયા હતા.
દરમિયાનમાં આ મંદિરમાં તપાસ ચાલી રહી છે ત્યાં મથુરામાં પણ કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં પણ દાનની મોટા પાયે ચોરી થઈ હોવાની રાવ જન્મભૂમિ મુક્તિ આંદોલનના નેતા દિનેશ ફળાહારી દ્વારા કરવામાં આવી છે. એમણે યુપીના સીએમ યોગીને પત્ર લખીને સીબીઆઇ તપાસની માંગ કરી છે. આ પત્ર એમણે લોહીથી લખ્યાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: યુનિ.કેમ્પસમાં સફાઇ અભિયાન દ્વારા NSUIનો અનોખો વિરોધ
રામ મંદિર પ્રકરણમાં સમગ્ર મામલે તપાસ કરી રહેલી એસઆઇટી હાલ દાનમાં આવેલા નાણાની ગણતરી અને તેની વ્યવસ્થા કરી રહેલી સમગ્ર ટીમ પર નજર રાખી રહી છે. સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે દાન પેટીઓમાંથી જ નાણા ચોરી લેવામાં આવ્યા છે. મંદિર અંદર જ આશરે ૪૦ જેટલી દાનપેટી આવેલી છે, અગાઉ જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે આ પેટીની સંખ્યા ૧૦ હતી જેમાં બાદમાં વધારો થતો ગયો.
એવા અહેવાલો છે કે અત્યાર સુધીમાં પૂછપરછ દરમિયાન પાંચ કર્મચારીઓ પાસેથી બે કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા છે. જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમાં આ કર્મચારીઓ ચોરી કરતા ઝડપાયા હોવાથી બાદમાં તેમને પ્રશાસન દ્વારા કાઢી મુકવામાં આવ્યા હતા.
