પેલેસ રોડ પર જૈન દેરાસરમાંથી ૪૩.૨૯ લાખની ચોરી કરનાર તસ્કરો પકડાયા
ઓફિસબોયે ૪૩ દિવસમાં ૧૩.૮૪૦ કિલોગ્રામ ચાંદી અને આઠ લાખની રોકડની ચોરી કરી‘તી
ચોરાઉ ચાંદી બે સાગ્રીતોને વેચવા આપ્યું
ત્રણેયને પકડી ૩૩.૮૮ લાખનો મુદ્દામાલ રિકવર
ગત ૭ જૂને પેલેસ રોડ પર આવેલા જૈન દેરાસરમાંથી ઓફિસબોયે જ ૪૩.૨૯ લાખની ચાંદી તેમજ રોકડની ચોરીને અંજામ આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે ઓફિસબોયને દબોચી લઈ આગવી ઢબે પૂછપરછ કરતાં ચોરાઉ ચાંદી ખરીદવામાં અન્ય બે શખસોનો હાથ હોવાનું ખુલતાં ઓફિસબોય તેમજ ચાંદી ખરીદનાર બન્ને શખસો મળી ત્રણની ધરપકડ કરીને ૩૩.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે શ્રોફ રોડ પર અરહમ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા હેમંતભાઈ ઈન્દુલાલભાઈ શાહ (ઉ.વ.૭૧)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા પ્રમાણે દેરાસરમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતા તન્નુ ભગવતીપ્રસાદ આમેટા (ઉ.વ.૨૪, રહે. રાજસ્થાન)એ તા.૪-૪-૨૦૨૬થી તા.૧૭-૫-૨૦૨૬ સુધીના ૪૩ દિવસ દરમિયાન ઓફિસના સ્ટ્રોંગ રૂમની અંદર લોખંડના કબાટના ખાનામાં રાખેલા ચાંદીના ચોરસા, ચાંદીની થાળી સહિત ૩૫.૨૯ લાખની મત્તા ઉપરાંત આઠ લાખની રોકડ ચોરી કરી લીધી હતી. આ ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસ દ્વારા તન્નુ ભગવતીપ્રસાદ આમેટા (ઉ.વ.૨૪)ને દબોચી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મહાપાલિકાના 22 વિભાગમાં દોડતાં 51 વાહન પરત લેવા અરજન્ટ ઠરાવ
તન્નુની પૂછપરછ કરતાં તેણે ચોરાઉ ચાંદી મિત્ર મારફતે ઉત્તરાખંડના આદિત્ય ઉર્ફે આદી ભીમરાવ રામ (ઉ.વ.૨૧) તેમજ રાજકોટના સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૨૮)ને આપ્યું હોવાની કબૂલાત આપતાં તે બન્નેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ત્રણેય પાસેથી ૧૧ કિલો ૩૨૬ ગ્રામ ચાંદી તેમજ પાંચ લાખની રોકડ કબજે કરાઈ હતી. જ્યારે બાકીની રકમ ત્રણેયે બૂલેટ સહિતના બાઈક ખરીદવામાં તેમજ મોજશોખ પાછળ ઉડાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.
