મા એ મા…. દીપડાના મોંમાંથી માતાએ માસૂમ પુત્રીને બચાવી
વિસાવદર કનકાઇ મંદિર પરિસરમાં ત્રાટકેલા દીપડાએ બાળકીને ગળાના ભાગેથી ઉઠાવી તુરંત જ માતાએ હિંમત કરી બાથ ભીડી બાળકીને બચાવી
કહેવત છે કે, `મા એ મા, બીજા બધા વગડાના વા…’ જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક કનકાઈ મંદિરમાં રોકાયેલા પરિવારની નિંદ્રાધીન બાળકીને ગળેથી ઉઠાવી દીપડો ભાગે એ પૂર્વે જ બાળકીની માતાએ દીપડા સાથે બાથ ભીડી મોંમાંથી માસૂમ પુત્રીને આંચકીને બચાવી લીધી હતી. ઈજાગ્રસ્ત બાળકીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: ચિત્ર બદલાયું: સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર `હાજર’, 45 મિનિટ સુધી ચર્ચા
વિગતો મુજબ કનકાઈ મંદિરના પરિસરમાં એક પરિવારે રાત્રી રોકાણ કર્યું હતું. બાળકી અગાસી પર સુતી હતી એ દરમિયાન દીપડો આવી ચડ્યો હતો અને બાળકીને ગળાના ભાગેથી ઉઠાવી લીધી હતી. તુરંત જ બાળકીની માતા રતનબેને હિંમત દાખવી દીપડાનો સામનો કર્યો હતો.
દીપડાના મોંમાંથી પુત્રીને બચાવી લીધી હતી. બૂમાબૂમ થતાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા જેથી દીપડો રાત્રીના અંધારામાં ઓગળી ગયો હતો. બાળકીના માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી જૂનાગઢ સારવારમાં લઈ જવાઈ હતી. આ ઘટનાના પગલે વન તંત્રનો સ્ટાફ દોડી આવ્યો હતો. દીપડાને પાંજરે પુરવા શોધવા માટે દોડધામ આદરી છે.
