ચિત્ર બદલાયું: સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર `હાજર’, 45 મિનિટ સુધી ચર્ચા
અગાઉ ચેરમેનની બાજુમાં ઈન્ચાર્જ સેક્રેટરી જ બેસતા: કમિશનરની હાજરીમાં દરેક યોજનાનું પ્રેઝન્ટેશન નિહાળતાં નગરસેવકો
પ્રશ્નો પૂછવા માટે સમય સહિતની કોઈ જ રોકટોક નહીં: મેયર-સ્ટે.ચેરમેને નવો ચીલો ચાતર્યો
મહાપાલિકામાં શાસકો બદલાતાં જ બેઠક વ્યવસ્થા, કામ કરવાની શૈલી સહિતમાં ઉડીને આંખે વળગે તેવો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે ત્યારે બહુ ઓછી વખત મ્યુનિસિપલ કમિશનર હાજર રહેતા હોય છે અને પાછલા અઢી વર્ષ દરમિયાન કમિટીની બેઠકમાં કમિશનર હાજર રહ્યા હોય તેવું જવલ્લે જ બન્યું છે ત્યારે ઘણા લાંબા સમય બાદ ચિત્ર બદલાયું હોય તેમ બુધવારે કમિટીની બેઠકમાં કમિશનર ઉપસ્થિત રહ્યા હતા અને નગરસેવકો સાથે 45 મિનિટ સુધી વિવિધ યોજનાઓના પ્રેઝન્ટેશન તેમજ અલગ-અલગ મુદ્દે ચર્ચા પણ કરી હતી.
આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના’ માટે “ઈ-કુટીર પોર્ટલ” ખુલ્લું મૂકાયું
અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની બાજુમાં ઈન્ચાર્જ મ્યુનિસિપલ સેક્રેટરી જ બેઠેલા જોવા મળ્યા હતા પરંતુ બુધવારે ચેરમેનની બાજુમાં મ્યુનિસિપલ કમિશનર બેઠેલા જોવા મળ્યા હતા અને કાયમી સેક્રેટરી નાયબ મ્યુનિસિપલ કમિશનરની બાજુમાં બેઠા હતા. અગાઉની કમિટીની બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની `હાજરી’થી જ બધું ચાલતું હતું પરંતુ હવે કમિશનરને પણ હાજર રાખવાની પરંપરા મેયર-સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને શરૂ કરી છે.
આ ઉપરાંત ખાસ કરીને કમિટીની બેઠકમાં હાજર નગરસેવકોને પ્રશ્નો પૂછવા માટે સમય કે અન્ય કોઈ જ બાબતની રોકટોકનો અંત લાવવામાં આવ્યો છે. બેઠક ચાલુ થાય અને જ્યાં સુધી નગરસેવકોને તેમના પ્રશ્નોનો ઉત્તર ન મળે ત્યાં સુધી બેઠક ચાલુ રાખવામાં આવશે સાથે સાથે દરેક યોજના તેમજ થયેલા-થનારા કામની પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા પણ કરાશે. આ જ કારણથી બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી જે પણ પાછલા વર્ષોનો એક મોટો રેકોર્ડ છે !
