હાઈવે પ્રોજેક્ટ્સથી લઈ ચોમાસાની તૈયારીઓ અને જમીન માફિયાઓ સામે કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશનું નિવેદન
રાજકોટ જિલ્લામાં આગામી ચોમાસાને પહોંચી વળવા, ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા અને સરકારી તંત્રને વધુ લોકાભિમુખ બનાવવા માટે કલેક્ટર તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે હાઈવે બ્રિજના કામોની સમીક્ષા, ચોમાસા અંગેનો ડિઝાસ્ટર પ્લાન, સિટી સર્વે કચેરીઓનું સરળીકરણ અને પર્યાવરણને નુકસાન કરતી ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓ પર વહીવટી તંત્રની ભવિષ્યની રૂપરેખા જાહેર કરી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વધાવવા જિલ્લામાં ‘પ્રગતિ પથ સંમેલન’ અને ‘વિકાસ યાત્રા’ના ભવ્ય આયોજનની પણ જાહેરાત કરવામાં આવી છે.
1. હાઈવે કનેક્ટિવિટી: રાજકોટ-જેતપુર હાઈવે પર 70% બ્રિજનું કામ પૂર્ણ, ચોમાસામાં ટ્રાફિક જામ નહીં થાય
રાજકોટ-જેતપુર અને રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી ઝડપી બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) સતત સંકલનમાં છે. કલેક્ટરે આપેલા નિવેદનની મુખ્ય વાતો:
બ્રિજ નિર્માણ: હાઈવે પર અત્યાર સુધીમાં 25 જેટલા બ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે, જે કુલ કામગીરીના 70% કરતાં પણ વધારે છે.
ચોમાસાની સ્ટ્રેટેજી: ચોમાસા દરમિયાન વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે હાઈવે પર જ્યાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, ત્યાં ૨૪ કલાક ક્રેનની સુવિધા તૈનાત રાખવામાં આવશે જેથી કોઈ વાહન ફસાય તો તેને તાત્કાલિક હટાવી શકાય.
કુવાડવા બ્રિજ અંગે મોટો નિર્ણય: રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે ચાલી રહેલી બ્રિજની કામગીરીને વધુ ગતિ આપવા માટે આ કામ અન્ય કાર્યક્ષમ એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સામાન્ય માણસને મોટી રાહત : ઈથેનોલવાળા પેટ્રોલ પરથી એક્સાઈઝ ડ્યુટી ગાયબ
2. મેઘરાજાને આવકારવા તંત્ર સજ્જ: ડિઝાસ્ટર પ્લાન સબમિટ, 1લી જૂનથી કંટ્રોલ રૂમ શરૂ
ચોમાસામાં પૂર કે અન્ય આપત્તિના સમયે જનજીવન પ્રભાવિત ન થાય તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ આગોતરૂ આયોજન કરી લેવાયું છે:
તાલુકા, જિલ્લા અને વિલેજ (ગ્રામ્ય) કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને સરકારને મોકલી આપવામાં આવ્યા છે.
ગત ૧લી જૂનથી જ જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરી દેવાયા છે.
બચાવ રાહત માટેના તમામ સાધનો અને ઈક્વિપમેન્ટ્સનું ટેસ્ટિંગ અને રિપેરિંગ કરીને તેને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
3. પર્યાવરણ અને જમીન કૌભાંડ પર કડક નજર: પ્રદૂષણ ફેલાવતા એકમો સીલ થશે
કલેક્ટરે નદી-નાળાને પ્રદૂષિત કરનારાઓ અને જમીન કૌભાંડીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે:
કેમિકલયુક્ત પાણી પર પ્રતિબંધ: જે ફેક્ટરીઓ ટ્રીટમેન્ટ કર્યા વગર નદીઓમાં દૂષિત પાણી (એફ્લુઅન્ટ) છોડે છે તેમની સામે કડક પગલાં લેવાશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમોને ભારે દંડથી લઈને સીધા ક્લોઝર (તાળાબંધી) સુધીની સજા કરાશે.
કોઠારિયા જમીન કૌભાંડ: કોઠારિયા ગામના ૧૦ વર્ષ જૂના જમીન પ્રશ્ને જિલ્લા પંચાયતમાં પૂરતા પુરાવા સાથે દરખાસ્ત રજૂ કરવા તંત્રને સૂચના આપી દેવાઈ છે, જેથી આ મામલે કાયદેસરની યોગ્ય કાર્યવાહી થઈ શકે.
4. મહેસૂલી પ્રક્રિયાનું સરળીકરણ: તાલુકા કક્ષાએ 16 નવી ILR કચેરીઓ શરૂ થશે
સરકારી કામકાજમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને લોકોના જમીન માપણીના પ્રશ્નો ઝડપથી ઉકેલાય તે માટે વહીવટી માળખામાં મોટો ફેરફાર કરાયો છે:
હવેથી સિટી સર્વે અને માપણી (DLR) નો સ્ટાફ અલગ-અલગ કામ કરવાને બદલે એક થઈને સંયુક્ત રીતે કામ કરશે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘ILR’ (ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ)ની નવી પોસ્ટ ઊભી કરીને ૧૬ નવી કચેરીઓ શરૂ કરવા આદેશ અપાયા છે.
હવે DLRની જગ્યાએ ‘ડેપ્યુટી ડાયરેક્ટર લેન્ડ રેકોર્ડ’ દ્વારા સમગ્ર સુપરવિઝન થશે. બે તાલુકાના રેકોર્ડ સંપૂર્ણ ડિજિટલ થઈ ગયા છે અને બાકીના તાલુકાઓની કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી થશે.
5. વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થતા ‘પ્રગતિ પથ સંમેલન’ અને ‘વિકાસ યાત્રા’ ધૂમ મચાવશે
પીએમ નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજકોટ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી કઢાયું છે:
જિલ્લા આયોજન બેઠક: આગામી ૧૩મી જૂને સાંજે ૬:૦૦ કલાકે રાજકોટના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજનની અગત્યની બેઠક મળશે.
પ્રગતિ પથ યાત્રા: ૧૫મી જૂન ૨૦૨૬ના રોજ જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાશે, જેમાં સાંજે ૬:૦૦ થી ૭:૦૦ દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ નાગરિક સંમેલન) અંતર્ગત વિકાસના કાર્યો જન-જન સુધી પહોંચાડવામાં આવશે.
6. મેગા હાઉસ સર્વે: રાજકોટ જિલ્લામાં 33,000 ઘરોનો સરવે પૂર્ણ
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને આંકડાકીય વિગતો માટે જિલ્લામાં હાઉસ લેવલ બ્લોકનો સરવે યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે:
જિલ્લામાં કુલ ૨,૯૫૪ હાઉસ લેવલ બ્લોક્સની ઓળખ કરવામાં આવી છે.
આ કામગીરી માટે ૨,૭૨૫ ઇન્યુમેરેટર (સરવે કરનાર) અને ૪૫૦ જેટલા સુપરવાઇઝરો મેદાનમાં છે.
અત્યાર સુધીમાં અંદાજે ૩૩,૦૦૦ ઘરોનો સરવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે અને ચાલુ જૂન મહિનાના અંત સુધીમાં આખો સરવે આટોપી લેવાનું લક્ષ્ય છે.
